Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Ahmedabad: સાણંદના ચેખલા ગામની સીમમાંથી 154 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મુખ્ય સૂત્રધાર આરોપી મહેન્દ્ર ઉર્ફે ડોકટર ગોવિંદપ્રસાદ રામલાલ તૈલીને રાજસ્થાનની જેલમાંથી ટ્રાન્ઝીટ વોરંટના આધારે ધરપકડ કર્યા બાદ, તેને અમદાવાદ ગ્રામ્યની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કર્યો હતો. સુનાવણી બાદ, કોર્ટે આરોપી મહેન્દ્ર ઉર્ફે ડોકટર તૈલીને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. બીજી બાજુ, પોલીસે આ કેસમાં આંતરરાજય ગેંગ અને ઇન્ટરનેશનલ કનેક્શનના નેટવર્કની દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુનાવણી દરમિયાન, સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. અધિક સરકારી વકીલની રજૂઆત હતી કે, સાણંદના ચેખલા ગામની સીમમાંથી 154 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો પકડાવાના કેસમાં અગાઉ એસઓજી પોલીસે આરોપીઓ અમિત વનરાજસિંહ વાઘેલા, પારસમલ નારાયણલાલ ગુજ્જર, દિપક સત્યનારાયણ સોમાણી અને ગોવિંદ સત્યનારાય જોષી અને રાજુ બાદરજી માલીની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવ્યા હતા. 

આરોપીઓની પૂછપરછમાં આ જથ્થો રાજસ્થાનના ભીલવાડાના વતની એવા આરોપી મહેન્દ્ર ઉર્ફે ડોકટર ગોવિંદપ્રસાદ રામલાલ તૈલીએ ગુજરાતમાં મોકલ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. આરોપી મહેન્દ્ર ઉર્ફે ડોકટર એ રીઢો ગુનેગાર છે અને તેની વિરૂદ્ધ આર્મ્સ એકટ સહિતના ઘણા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગાંજાની હેરાફેરીના આ સમગ્ર નેટવર્કમાં આરોપીના સંપર્કોની તપાસ કરવાની છે કારણ કે, પકડાયેલ ગાંજાનો જથ્થો કોમર્શીયલ કવોન્ટીટી કરતાં પણ ઘણો વધારે છે અને તેથી આ સમગ્ર કન્સાઇન્મેન્ટમાં આંતરરાજય કે ઇન્ટરનેશનલ કનેકશન સિવાય આ પ્રકારની હેરાફેરી શકય નથી. ગાંજાનો આટલો મોટો જથ્થો કયાંથી, કોની મદદથી મેળવાયો અને તેની હેરાફેરીની મોડેસ ઓપરેન્ડી શું છે તે સહિતના કારણોની તપાસ માટે આરોપીના પૂરતા રિમાન્ડ જરૂરી છે.

મહેન્દ્ર ઉર્ફે ડોકટર 11 પિસ્તોલ સાથે પકડાયેલો

આરોપી મહેન્દ્ર ઉર્ફે ડોકટર11 પિસ્તોલ સાથે પકડાતાં તેની વિરૂદ્ધ રાજસ્થાનમાં આર્મ્સ એકટ સહિતના ગુનાઓ પણ દાખલ છે. આરોપી રાજસ્થાનની જેલમાં હોવાથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ટ્રાન્ઝીટ વોરંટના આધારે તેની ત્યાંની જેલમાંથી ધરપકડ કરી હતી, ભૂતકાળમાં આરોપી મહેન્દ્ર ઉર્ફે ડોકટર અમદાવાદમાં પણ આવી ચૂકયો છે અને તે અહીંની એક હોટલમાં નામ બદલીને રોકાયો હતો, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરેલી.