Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જે એસીપી સામે આક્ષેપ છે, તેને જ પોલીસ કમિશનરે તપાસ કેવી રીતે સોંપી? - હાઈકોર્ટ

તપાસ અધિકારી કેસના તમામ પેપર બે દિવસમાં સ્ટેટ સીઆઈડીને સુપરત કરે - હાઈકોર્ટ

Gujarat: વડોદરામાં સગા ભાઇ-ભાભી સહિતના લોકોએ એકબીજાના મેળાપીપણામાં  માતાના ખોટા અને બનાવટી વીલનો સાચા તરીકે ઉપયોગ કરી વડીલોપાર્જિત સ્થાવર જંગમ મિલ્કતમાંથી હક્ક કમી તથા કુલમુખત્યાર બનાવી કરોડો રૂપિયામાં મિલ્કતો વેચાણ કરી બહેનો સાથે ગંભીર છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના કેસમાં  પોલીસની તપાસને લઇ ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલો ઉઠાવતા નારાજગી વ્યકત કરી હતી. હાઈકોર્ટે આ કેસની તપાસ સ્ટેટ સીઆઇડી ક્રાઇમને ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતા કહેલુ કે, અરજદારે જે એસીપી વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરેલા, તે જ એસીપીને પોલીસ કમિશનરે તપાસ કેવી રીતે સોંપી? હાઈકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, ફરિયાદીએ અગાઉ 2-5-2023ના રોજ વડોદરા પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં બી ડિવીઝન પોલીસમથકના એસીપી વિરૃદ્ધ આક્ષેપો કરતી ફરિયાદ કરી હતી, તેમછતાં વડોદરા પોલીસ કમિશનરે કેસની તપાસ એ જ એસીપીને ટ્રાન્સફર કરી હતી. આ કેસમાં અરજદાર તરફથી કેસની તપાસ ટ્રાન્સફર કરવા માટેની કોઇ દાદ મંગાઇ નથી પરંતુ કેસની ગંભીરતા અને હકીકતો ધ્યાને લેતાં આ અદાલત બંધારણની કલમ-226 અને 227 હેઠળ સુઓમોટો સત્તાનો ઉપયોગ કરીને આ સમગ્ર કેસની તપાસ વડોદરાના બી ડિવીઝનના એસીપી પાસેથી આંચકી સ્ટેટ સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરને સુપરત કરવાનો હુકમ કરવામાં આવે છે. કેસના તપાસ અધિકારીએ બે દિવસમાં જ આ કેસની તપાસ સ્ટેટ સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરને સોંપી દેવી.

હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, જો પોલીસ અધિકારીઓ તરફથી કોઇપણ પ્રકારની હેરાનગતિ થાય તો, અરજદાર હાલની અરજીમાં વચગાળાની અરજી દાખલ કરી પોતાની ફરિયાદના મુદ્દા ઉઠાવી શકે છે.

સુનાવણી સમયે, અરજદારના વકીલની રજૂઆત હતી કે, આરોપીઓએ ફરિયાદીની માતાનું અંગ્રેજી ભાષામાં 16 પાનાનુ ખોટુ અને બનાવટી વીલ બનાવ્યું હતું અને માતાની જાણ બહાર તેમાં ખોટી સહીઓ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સીટી  સર્વેની ઓફિસમાં પણ રાજય સેવકને ખોટી માહિતી આપવાનું કાવતરૂ રચ્યું હતું. એટલું જ નહી, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં અરજદારના વડીલોપાર્જિત સ્થાવર જંગમ મિલકતમાંથી હક્ક કમી કરી તથા કુલમુખત્યાર બનાવી કરોડો રૃપિયામાં મિલ્કતનું વેચાણ કરી નાંખ્યું હતું. સમગ્ર બનાવ અંગે વડોદરાના લક્ષ્મીપુરા પોલીસમથકમાં આઇપીસીની કલમ- 406, 420, 465, 467, ૪૬૮, 471, 474, 182 અને 120(બી) કલમો હેઠળ આરોપીઓ સામે ફરિયાદ નોધાઇ હતી. શરૂઆતમાં પીઆઇ પી.જી.તિવારી આ ગુનાની તપાસ કરતાં હતા પરંતુ બાદમાં વડોદરા પોલીસ કમિશનરના હુકમને પગલે કેસની તપાસ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના એસીપી આર.ડી.કાવાને 16-6-2023ના રોજ સોંપાઈ હતી. જો કે, એસીપી દ્વારા કેસની યોગ્ય અને ન્યાયી તપાસ હાથ ધરવામાં આવી રહી નથી અને ઉલ્ટાનું અરજદારને દબાણ કરી ભારે હેરાનગતિ થઇ રહી છે, તેમ જ સામાવાળાઓ સાથે સમાધાન કરી લેવા ભારે દબાણ કરાઇ રહ્યું છે. અરજદારોએ એસીપી સામે આક્ષેપો કર્યા હોવાછતાં પોલીસ કમિશનરે આ એસીપીને જ કેસની તપાસ સોંપી દીધી છે, તેથી અરજદારોને કેસમાં ન્યાય મળવાની શકયતા જણાતી નથી અને તેથી તેમને હાઇકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી છે.