Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત રાજયની મેડિકલ કોલેજો સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના દુષણ મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં કોર્ટ સહાયક(એમીકસ કયુરી) તરીકે નિમાયેલા એડવોકેટ અમિત પંચાલે રાજયની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગીંગના દૂષણને નાથવા રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને તાકીદના ધોરણે ચોક્કસ માર્ગદર્શિકા અને સર્વગ્રાહી નીતિ ઘડવા બહુ મહત્ત્વની ભલામણ સાથેના સૂચનોનો રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ કેસની વધુ સુનાવણી ૨૬મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.

એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલની બી.જે.મેડિકલ કોલેજ, વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠ સહિતની સંસ્થાઓમાં રેગીંગની ઘટનાઓની ગંભીર નોંધ લઇ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની  અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે સરકાર પાસેથી જવાબ સાથે ખુલાસો પણ માંગ્યો હતો. બીજીબાજુ, જે જુનિયર વિદ્યાર્થીઓને રેગીંગનો ભોગ બનાવનાર કસૂરવાર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં પણ લેવાયા હતા. આ કેસમાં હાઇકોર્ટે કોર્ટ સહાયક નિમેલા એડવોકેટ અમિત પંચાલ પાસેથી રેગિંગના દૂષણને નાથવા માટેની ભલામણો સાથેનો રિપોર્ટ માંગ્યો હતો. જેના અનુસંધાનમાં કોર્ટ સહાયક તરફથી બહુ મહત્ત્વની ભલામણો સાથેનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં સૌથી મહત્વની ભલામણ એ કરાઇ હતી કે, રાજયની મેડિકલ કોલેજો સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના દૂષણને નાથવા અને જડમૂળથી ખતમ કરવા માટે સુપ્રીમકોર્ટ દ્વારા જારી નિર્દેશોને ધ્યાનમાં રાખી રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે એક સર્વગ્રાહી નીતિ અને માર્ગદર્શિકા ઘડવામાં આવે. હાલ રાજયમાં આ સમગ્ર મામલે કોઇ ચોક્કસ નીતિ કે માર્ગદર્શિકા નથી, તેથી તેની અમલવારી કરાવવામાં આવે.

રેગિંગ મુદ્દે તેલંગાણા સહિતના સંબંધિત રાજયોમાં જે પ્રકારના કાયદાઓ છે તે પ્રકારના કાયદાની અમલવારી અહીં ગુજરાત રાજયમાં પણ કરાવવી જોઇએ. ધર્મ, જાતિ સહિતના મુદ્દાઓ પર જો જુનિયર વિદ્યાર્થીઓને રેગીંગનો ભોગ બનાવવામાં આવતા હોય તો તેવા કિસ્સામાં કડક પગલાંની જોગવાઇ થવી જોઇએ. રાજયની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જુનિયર વિદ્યાર્થીઓ અને સિનિયર વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ અને મિત્રપૂર્ણ વ્યવહારનું વાતાવરણ જળવાઇ રહે તે માટે સંસ્થાઓએ સમયાંતરે સેમિનાર, શિબિર, કાર્યક્રમો યોજી આ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા જોઇએ અને રેગિંગના દૂષણને જડમૂળથી ખતમ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાસ તો સિનયિર વિદ્યાર્થીઓ અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે કોઇ ખાઇ ના રહે તે  પ્રકારના પ્રયાસો અને વાતાવરણ ઉભુ કરવું જોઇએ.  સંસ્થાઓમાં આ વિષય પર વર્કશોપ આયોજિત થવા જોઇએ અને તેમાં વિષય નિષ્ણાત ન્યાયિક પદાધિકારીઓ, વકીલો અને પોલીસ અધિકારીઓના વકતવ્યનું આયોજન કરવું જોઇએ અને આ દૂષણના નિવારણના અસરકારક પ્રયાસો થવા જોઇએ.

આ પણ વાંચો : બદનક્ષીના કેસનો મામલો - ગુજરાત યુનિવર્સિટી એ સરકારી સંસ્થા છે અને સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. તેથી સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહી