Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી

- આ કેસને લઈને પુરતા પુરાવા છે – સરકાર

- પોલીસ સામેની ફરિયાદ પરત લેવડાવવામાં ભારે દબાણ કરાયુ

- પોલીસે જાહેરમાં લોકોને નહીં પરંતુ ભારતીય બંધારણને માર્યું છે – અરજદારના વકીલ

જૂનાગઢમાં મજેવાડી સ્થિત ગેબનશા પીર મસ્જીદ પાસે બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં પત્થરમારામાં ડીવાયએસપી ઘાયલ થયેલા અને એક વ્યક્તિનુ મોત થયેલુ. આ મુદ્દે થયેલી એફઆઈઆર બાદ જૂનાગઢ પોલીસે 8થી 10 લોકો સામે એફઆઈઆર નોંધેલી છે. આ પછી, પોલીસ દ્વારા લોકોને જાહેરમાં મારવા અને કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર આચરવાના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 17 જુલાઈએ હાથ ધરાશે.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, જે લોકોએ પોલીસ સામે ફરિયાદ કરી છે તેમને પોલીસ ધમકાવી રહી છે. જે વકીલોએ ફરિયાદ કરવામાં મદદ કરી તેમના પરિવારજનોને જૂનાગઢના પીઆઈ દ્વારા અટકાયત કરીને વકીલોને ધમકાવવામાં આવ્યા છે. પોલીસ સીધા ન્યાયતંત્રમાં દખલ કરે છે. તેઓ તોફાનીઓની તરફેણમાં કોર્ટમાં આવ્યા નથી, પરંતુ જે લોકો પર પોલીસે અત્યાચાર આચર્યો છે, તેને લઈને આવ્યા છે. જૂનાગઢમાં ખાખીનો આતંક છવાયેલો છે. ડોક્ટરોને ઈજા અંગેનો રિપોર્ટ લખતા રોકવામાં આવેલા છે. પોલીસે લોકોને નહીં પરંતુ બંધારણને જાહેરમાં માર્યુ છે.

અરજદારના વકીલનુ કહેવુ છે કે ભારતીય બંધારણમાં આ પ્રકારના એક્શનની મંજૂરી નથી. આ પ્રકારની સજા તો ઈરાન-ઈરાકમાં થતી ઈસ્લામિક કાયદા હેઠળની સજા છે. આવી સજા ભારતીય કોર્ટ પણ આપતી નથી, તો પછી પોલીસ આવુ કેવી રીતે કરી શકે? વિડીયોમાં સ્પષ્ટ દેખાતુ હોવા છતા સરકાર તપાસ કરતુ હોવાની વાત કરે છે.   

અરજદારન વકીલની એ પણ રજૂઆત હતી કે પોલીસે જે દસ લોકોની ધરપકડ કરેલી છે, તેમાં ચાર સગીર છે અને છ પુખ્તવયના છે. ચાર સગીરને રિમાન્ડ હોમમાં મોકલાયા છે. જ્યારે બાકીના છને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ જેલમાં મોકલાયા છે. આ તમામ લોકોએ પોલીસના અમાનુષી ત્રાસ અંગે કોર્ટમાં રજૂઆત કરેલી અને આ ઉપરાંત પોલીસ સામે ફરિયાદ નોંધાવેલી. જો કે, પોલીસે જેલમાં તેમના પર દબાણ લાવીને આ ફરિયાદ પરત લેવડાવી છે. આ ઉપરાંત રિમાન્ડ હોમમાં રહેલા સગીરના માતાપિતા પાસેથી આ ફરિયાદ પરત લેવડાવી છે. જે કરી શકાય નહીં, કારણ કે રિમાન્ડ રૂમમાં રહેલા આ સગીરોએ ફરિયાદ નોંધાવેલી છે. પોલીસ દ્વારા લોકોના ઘર અને મિલકતોને નુકસાન કરાયુ છે. જૂનાગઢના એસપી આ કસ્ટોડિયલ ટોર્ચરને છાવરી રહ્યા છે. પોલીસે ખુલ્લેઆમ માનવઅધિકારનો ભંગ કર્યો છે.   

સુનાવણી દરમિયાન, સરકારી વકીલની રજૂઆત હતી કે આ બનાવને અનુલક્ષીને પેન ડ્રાઈવ સહિતના અન્ય પુરાવા છે. જે રજૂ કરીએ છીએ. હકીકતમાં સમગ્ર ઘટના શું હતી, તે અંગે કેસને લગતા પુરાવા અને દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરાશે. સુનાવણી બાદ, હાઈકોર્ટે સરકારને આ તમામ બાબતો સોગંદનામા સ્વરૂપે રજૂ કરવા આદેશ કર્યો છે. સરકારની આ રજૂઆત સામે અરજદારના વકીલની રજૂઆત હતી કે જો તેમની અરજીમાં કોઈ બાબત ખોટી હોય તો તેમને આકરો દંડ ફટકારશો.  

અરજદારની માગ છે કે જૂનાગઢ પોલીસ દ્વારા લોકો પર આચરાયેલા આ દમનના મુદ્દે જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્સિપાલ સેશન્સ જજ પાસે તપાસ કરાવો અને રિપોર્ટ મગાવો, જૂનાગઢ રેંજ કે જિલ્લા બહારના આઈપીએસ અધિકારી પાસે પોલીસના આ અમાનુષી અત્યાચાર, શંકાસ્પદ કે આરોપીની મિલકતોને નુકસાન પહોંચાડવા મુદ્દે તપાસ કરાવો અને રિપોર્ટ મગાવો, જવાબદાર પોલીસ કર્મી સામે એફઆઈઆર નોંધવા નિર્દેશ આપો, પિડીતોને થયેલા નુકસાનને લઈ તેમને વળતર આપવામાં આવે અને તેમને વચગાળાની રાહત પણ આપો.

મહત્વનુ છે કે, ગત મહિને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નરસિંહ મહેતા તળાવ વિકસાવવાના ભાગ રૂપે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાયેલી છે. જેમાં સો વર્ષ જુની જંગલશા પીર દરગાહને તોડી પડાઈ છે અને અન્ય દરગાહ તોડવાની કામગીરી સમયે લોકોએ વિરોધ કરેલો છે. જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયેલુ. જૂનાગઢ મનપાની આ ડિમોલીશનની કામગીરી સામે ભૂતકાળમાં હાઈકોર્ટમાં અરજી કરાયેલી છે.