Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Gujarat: જૂનાગઢમાં લઘુમતી કોમના લોકો પર પોલીસ દમન અને ત્રાસ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટની અરજીની સુનાવણી સમયે જૂનાગઢ ડીવાયએસપી, ત્રણ પીઆઇ સહિત કુલ 32 પોલીસ કર્મચારીઓ તરફથી રજૂઆત કરવા આવેલ સરકારી વકીલને હાઇકોર્ટે અટકાવ્યા હતા અને નિર્દેશ આપ્યો છે કે, આ તમામ પોલીસ કર્મચારીઓને તેમના સ્વખર્ચે વકીલ રોકે અને તેમના વકીલ મારફતે રજૂઆત કરે.

પોલીસ અત્યાચારનો ભોગ બનનાર બે પીડિત દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં અગાઉ હાઇકોર્ટે જૂનાગઢ ડીવાયએસપી, ત્રણ પીઆઇ સહિત 32 પોલીસ કર્મચારીઓને નોટિસ જારી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારે પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તરફથી બચાવ રજૂ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે હાઇકોર્ટે તેમને અટકાવ્યા હતા અને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રતિવાદી પોલીસ અધિકારીઓનો બચાવ કરાય તે યોગ્ય નથી. પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ તેમના ખર્ચે ખાનગી વકીલ રોકી તેમના મારફતે જે કંઇ રજૂઆત કે બચાવ કરવો હોય તે રજૂ કરી શકે છે.

હાઇકોર્ટે તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં તેમને વકીલો રોકવા માટેની મહેતલ આપી હતી. કન્ટેમ્પ્ટ પિટિશનમાં આક્ષેપ કરાયા હતા કે, તાજેતરમાં જૂનાગઢમાં મજેવાડી વિસ્તારમાં ગેબનશા પીરની દરગાહની સામે લઘુમતી કોમના લોકો એેકત્ર થતાં સ્થાનિક પોલીસે લાઠીચાર્જ, જાહેરમાં માર મારવા સહિત પોલીસ દમન ગુજાર્યો હતો. પોલીસે આ પ્રકરણમાં લઘુમતી કોમના લોકોના ટોળા વિરૃધ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરી તેઓની પર પોલીસ કસ્ટડીમાં પણ તેમની પર ત્રાસ ગુજાર્યો હતો. જેને લઇ સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદામાં આપેલી માર્ગદર્શિકા અને નિર્દેશોનુ તેમ જ માનવ અધિકારોનું હનન થયુ હોઇ કસૂરવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૃધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ કાયદાનસુાર પગલા લેવા હાઇકોર્ટે હુકમ કરવો જોઇએ. અરજદારની રજૂઆત હતી કે પોલીસે જેઓને માર્યા તેમાં ચાર છોકરા સગીર હતા. પોલીસના દબાણના કારણે તેના માતા-પિતાને જુવેનાઇલની ફરિયાદ પાછી ખેંચવાની ફરજ પડી હતી.