Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આરોપી તથ્યએ ભૂતકાળમાં પણ આ રીતે અકસ્માત સર્જેલા - સરકાર

- જામીન મળશે તો સમાજમાં ખોટો સંદેશો જશે - સરકાર

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને એક સાથે નવ નિર્દોષ લોકોને કચડી નાખવાના કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન, મુખ્ય સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી તથ્ય પટેલ આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જવાની ગુનાહિત માનસિકતા ધરાવે છે, તે બેફામ અને પૂરપાટ ઝડપે ડ્રાઇવિંગ કરવાની આદત ધરાવે છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત પહેલાં પણ તથ્યએ બે ગંભીર અકસ્માતો સર્જયા હતા. પોલીસ તપાસમાં બહાર આવેલુ છે કે, આ અકસ્માતના કેસમાં તથ્ય પટેલના ગુનાને છાવરવા અને તેની પર ઢાંકપિછોડો કરવા તેના પિતાએ પૈસા આપી સમાધાન કરાવેલુ. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યએ નવ નિર્દોષને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં અન્ય ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં એક ઇજાગ્રસ્તની હાલત હજુ નાજકુ છે. આરોપી પોતે પૈસાદાર, વગદાર અને ઝનૂની સ્વભાવનો છે. આરોપી સામે ચાર્જશીટ થઈ ચૂકયુ છે અને હવે ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે. જો આરોપીને જામીન મળશે તો તે કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડાં કરે તેવી શકયતા છે.

આ ઉપરાંત, સરકારી વકીલની રજૂઆત હતી કે, બનાવના દિવસે આરોપી તથ્ય પટેલ પૂરપાટ ઝડપે જેગુઆર કાર હંકારી રહ્યો હતો. આરોપી જાણતો હતો કે આટલી ઝડપે અકસ્માત થાય તો કોઇ જાનહાનિ થાય છતા તેમ છતાં તેણે ઓવર સ્પીડમાં બેફામ રીતે કાર હંકારેલી. જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે તેણે બ્રેક મારવાનો કોઇ જ પ્રયાસ કર્યો નથી. આરોપીને જામીન અપાય તો સમાજમાં ખોટો સંદેશો જશે. કોર્ટે આવા સાપરાધ મનુષ્યવધના ગંભીર ગુનામાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દેવી જોઈએ.