Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

માત્ર સોલા પોલીસ મથક જ નહીં, પરંતુ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જનારને હેરાનગતિ થાય નહીં તેવા નિર્દેશ આપો - હાઈકોર્ટ

નિવૃત્ત આઈપીએસ અધિકારીના પુત્ર પર હાઈકોર્ટના બોગસ હુકમ તૈયાર કરવાનો આરોપ છે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના બોગસ હુકમો તૈયાર કરીને ન્યાયતંત્ર સાથે ચેડાં કરનાર નીરવ જેબલિયા (ભૂતપૂર્વ આઇપીએસ બી.એસ.જેબલીયાના પુત્ર) સામેની અરજીની સુનાવણી સમયે, આજે સરકારે તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરીને જણાવ્યું છે કે, આ કેસમાં આરોપી નીરવ જેબલીયા સામે સોલા પોલીસમથકમાં અલગ-અલગ ચાર ફરિયાદો નોંધી લેવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની ફરિયાદનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, હવે ભવિષ્યમાં પોલીસ દ્વારા આવી ગંભીર નિષ્કાળજી કે ઉદાસીનતા દાખવાય નહીં તેનું ધ્યાન રાખશો અને માત્ર સોલા પોલીસમથક જ નહી પરંતુ તમામ પોલીસ સ્ટેશનોમાં સરકાર આ મુદ્દે જરૃરી સૂચનાઓ આપી દે. હાઈકોર્ટના કડક વલણ બાદ, સરકારે ખાતરી આપી હતી કે આ બાબતનો અમલ કરાશે. આ બાંહેધરી બાદ, હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.  

સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરેલી કે, ગઇકાલે હાઈકોર્ટને આપેલી ખાતરી મુજબ સરકારે આ સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરી છે અને હાઇકોર્ટના બોગસ હુકમો પ્રકરણમાં નિવૃત્ત આઇપીએસના પુત્ર નીરવ જેબલીયા સામે આખરે ચાર અલગ-અલગ ફરિયાદો દાખલ કરાઈ છે. જેમાં અરજદાર દિનેશભાઇ રાણા, મકસૂદભાઇ અને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરફથી અપાયેલી ફરિયાદનો પણ સમાવેશ થાય છે. અરજદારે હાઇકોર્ટને રજૂઆત કરેલી કે, આ એક બહુ ગંભીર અને સંવેદનશીલ કેસ છે, જેમાં હાઇકોર્ટ જજના વડપણ હેઠળ ન્યાયિક તપાસ કરવી જરૃરી બને છે. આ સમયે, પબ્લિક પ્રોસીકયુટરે હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, પોલીસ દ્વારા આ કેસમાં બિલકુલ નિષ્પક્ષતાથી અને તટસ્થતાપૂર્વક તપાસ કરવામાં આવશે, જેથી અરજદારની આ માંગણી હાલના તબક્કે અસ્થાને છે. અરજદારે પોતાની પિટિશનમાં ફરિયાદ નોંધવાની દાદ માંગી હતી તે મુજબ, પોલીસ દ્વારા હવે એફઆઇઆર દાખલ થઇ ગઇ છે અને અરજદારની દાદ સંતોષાઇ ગઇ છે. તેથી હાઇકોર્ટે કેસનો નિકાલ કરવો જોઇએ. ભવિષ્યમાં હાઇકોર્ટ તરફથી કોઇપણ જશે તો તાત્કાલિક કાર્યવાહી કરાશે. આ સમયે, હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે, માત્ર હાઇકોર્ટ જ નહી પરંતુ સામાન્ય નાગરિક જાય તો પણ તેને ફરિયાદ નોંધવા મુદ્દે પોલીસ દ્વારા ખોટી આનાકાની કે હેરાનગતિ ના થાય. માત્ર સોલા પોલીસ મથક જ નહીં, પરંતુ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં આ અંગે જરૂરી સુચનાઓ મોકલાવી આપો.