Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રશિયાના ચૂંટણી પંચનુ કહેવુ છે કે યેકાતેરિના દંતસોવાના ઉમેદવારીપત્રમાં 100 કરતા પણ વધારે ભૂલો હતી અને સર્વસંમતિથી તેમનુ ઉમેદવારીપત્ર રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ મહિલા ઉમેદવાર રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિના સમર્થનમાં છે અને તે પહેલા ટીવી પત્રકાર હતી. જો કે ચૂંટણી પંચના નિર્ણય પછી પુતિનના વિરોધીઓને પુતિન પર નિશાન સાધવાનો વધુ એક મોકો મળી ગયો છે. વિરોધીઓનું કહેવુ છે કે ચૂંટણી પંચના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયુ છે કે આગામી માર્ચ મહિનામાં યોજાનારી ચૂંટણીમાં પુતિનના વિચારોથી અલગ વિચારધારા ધરાવતા કોઈ વ્યક્તિને પુતિન સામે ચૂંટણી લડવા માટે મંજૂરી મળવાની નથી.

બીજી તરફ રશિયાની સરકારનો દાવો છે કે આગામી ચૂંટણીમાં પુતિન જીતશે. કારણ કે તેમને રશિયાના સમગ્ર સમાજનુ સમર્થન પ્રાપ્ત છે. હાલમાં પુતિનને રાષ્ટ્રપતિ બનાવવાના સમર્થનમાં 80% લોકો છે.

બીજી તરફ પુતિન સામે ચૂંટણી જંગમાં ઝુકાવવા માંગતી યેકાતેરિના દંતસોવાએ કહ્યુ હતુ કે ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહીની વિરુધ્ધનો છે અને હું તેને રશિયાની સુપ્રીમ કોર્ટમાં પડકારીશ. ચૂંટણી પંચના નિર્ણયના કારણે રશિયાની પ્રજાને અલગ અલગ વિચાર ધરાવતા લોકોને પસંદ કરવાની તક ઝૂંટવાઈ ગઈ છે.

ચૂંટણી પંચે યેકાતેરિના દંતસોવાને સાંત્વના આપતા કહ્યુ કે તમે યુવા મહિલાઓ છો અને તમારી પાસે લાંબુ ભવિષ્ય છે. કોઈ માઈનસને હંમેશા પ્લસમાં ફેરવી શકાય છે.

બીજી તરફ વિપક્ષી રાજનેતા બોરિસના દેજદીનને શનિવારે રશિયાની સિવિક ઈનિશિએટિવ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. બોરિસને પુતિનના અને યુક્રેન સામે યુધ્ધ છેડવાના નિર્ણયના પ્રખર ટીકાકાર માનવામાં આવે છે. બોરિસ 25 ડિસેમ્બરે પોતાની ઉમેદવારી નોંધાવશે.

આ પણ વાંચો : સરમુખત્યાર કિમ જોંગ નોર્થ કોરિયામાં વધી રહેલી સ્થૂળતાથી પરેશાન