Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે. કેનેડિયન ઈન્ટરવ્યૂમાં ત્યાં હાજર ભારતીય હાઈ કમિશનર સંજય વર્માએ કહ્યું હતું કે - કોઈ પણ તપાસ વિના ભારતને નિજ્જરની હત્યા માટે દોષી કહવામાં આવ્યું છે. શું આ રીતે  કાયદાનું શાસન થાય છે?

એક પત્રકાર સાથે વાત કરતી વખતે સંજયે કહ્યું હતુ કે - તે પછી પણ ભારતે તપાસમાં સહકાર આપવાનું કહેવામાં આવ્યું હતું. જો ગુનેગારો સાથે વપરાતી ભાષા પર ધ્યાન આપીએ તો અમે પણ તેમને તપાસમાં સહકાર આપવા કહીએ છીએ. ભારતે હંમેશાં કહ્યું જ છે કે જો કેનેડા પાસે કોઈ પુરાવા છે તો તેને તે રજૂ કરવા જોઈએ.

હાઈ કમિશનરે વધુમાં કહ્યું હતું કે- ભારત-કેનેડાના સંબંધો સપ્ટેમ્બરની સરખામણીએ અત્યારે વધુ સારા છે. ભારતની સૌથી મોટી ચિંતા છે કે કેટલાક કેનેડિયન નાગરિકો ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે તેમની જમીનનો ઉપયોગ કરે છે. અમારા માટે સૌથી મહત્વનો મુદ્દો ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓની સુરક્ષાનો છે.

સંજય વર્માએ કહ્યું કે ભારતે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ ઘણા બધા પુરાવા આપ્યા છે

 વર્માએ કહ્યું- ભારત સરકારે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ ઘણા દસ્તાવેજો કેનેડાને આપ્યા છે. તેમણે ભારત અને કેનેડામાં ગુના કર્યા હોવાના પુરાવા આપ્યા છે.

હાઈ કમિશનરે આગળ કહ્યું કે - જ્યારે પીએમ ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો હતો અને પછી અમારા એક રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા, તે ભારત માટે ખૂબ મોટી વાત હતી. તેથી, અમે પણ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢીને જવાબ આપ્યો છે.

ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાને લગતા પ્રશ્ન પર સંજય વર્માએ કહ્યું કે - પીએમ ટ્રુડોના નિવેદનથી ભારત સરકારના દૃષ્ટિકોણ અને મૂલ્યાંકન પર ભારે અસર પડી. તેમના આક્ષેપોની અમારી લાગણીઓ પર ઊંડી અસર પડી છે. રાજદ્વારીઓની હકાલપટ્ટી માટે આ લાગણીઓ જવાબદાર હતી.

હાઈ કમિશનરે કહ્યું કે રાજદ્વારીઓને બહાર કાઢવા માટે ભાવનાઓ પણ જવાબદાર
સંજય વર્માએ કહ્યું ભારત અને કેનેડા સંબંધો સુધારવા અને એકબીજાના દેશમાં રાજદ્વારી હાજરી વધારવા માટે કામ કરી રહ્યા હતા. અમારા સંબંધો પહેલાં કરતાં હવે સારા બન્યા છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે ફરીથી ઈ-વિઝા સેવા શરૂ કરી છે.

આ પહેલાં પણ નવેમ્બરની શરૂઆતમાં કેનેડિયન મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય હાઈ કમિશનરે કહ્યું કે કેનેડામાં ઊંચા સ્તરે બેઠેલ અધિકારીઓ તરફથી પહેલાંથી આદેશ આવી ગયો હતો કે નિજ્જરની હત્યાનો આરોપ ભારત અને ત્યાંની એજન્સીઓ પર લાગવાનો છે. આ સિવાય PM ટ્રૂડોના નિવેદનની આ તપાસમાં પણ નકારાત્મક અસરો પડી છે.

આ પણ વાંચો : બોડીબિલ્ડિંગનો એવો શોખ હતો કે દુનિયાભરના લોકો બની ગયા હતા ફેન, 33 વર્ષની ઉંમરે હાર્ટઍટેકથી થયું નિધન