Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ એરપોર્ટથી રાત્રે ઘેર જતાં દંપતિને આંતરી ખોટી રીતે ડરાવી ધમકાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો દ્વારા રૂ.60 હજારનો તોડ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે આજે જાતે સંજ્ઞાાન લીધુ હતુ અને સમગ્ર મામલાને બહુ ગંભીરતાથી લઇ સુઓમોટો રિટ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ખુલાસો માંગ્યો છે. એટલું જ નહી, હાઇકોર્ટે આ કેસમાં કસૂરવાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ શું પગલાં લેવાયા તે સહિતના મુદ્દે વિગતવાર રિપોર્ટ પણ રજૂ કરવા હુકમ કર્યો છે.

એક મહિલા પોતાના એક વર્ષના બાળક અને પતિ સાથે રાત્રે કારમાં જઇ રહી હતી અને તેવા સમયે પોલીસ દ્વારા આ પ્રકારે ખોટી હેરાનગતિ અને ખોટા ગુનામાં દાખલ કરવાની ધમકી આપી તોડ કરવાની પોલીસની માનસિકતા સામે હાઇકોર્ટે બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે આ સમગ્ર મામલે તા.11મી સપ્ટેમ્બર સુધીમાં ખુલાસા સાથેનું સોંગદનામું રજૂ કરવા શહેર પોલીસ કમિશનરને ફરમાન કર્યું  હતું. હાઇકોર્ટે જણાવ્યું હતુ કે, ટ્રાફિક પોલીસ દ્વારા આચરાયેલું આવુ કૃત્ય અમાનવીય અને શરમજનક કહી શકાય. કોઇ દંપતિ કેબમાં જઇ રહ્યું હોય અને આ પ્રકારે ચેકીંગના બહાને તેમની સાથે બળજબરી, હેરાનગતિ અને તોડકાંડ કરવાનું કૃત્ય બહુ ગંભીર અને ચિંતાજનક કહેવાય તેવી માર્મિક ટકોર પણ હાઇકોર્ટે કરી હતી. 

આ કેસની વિગત એવી છે કે, તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ખાનગી કેબમાં એક દંપતિ તેમના એક વર્ષના બાળક સાથે રાત્રે પોતાના ઘેર જઇ રહ્યું હતું ત્યારે ઓગણજ ટોલટેક્સ પાસે સર્કલ પર પોલીસની એક ગાડી ઉભી હતી. ટ્રાફિક પોલીસે તેમની ગાડીને આંતરી ધમકાવ્યા હતા કે, તમને ખબર નથી કે અત્યારે ડ્રાઇવ ચાલે છે અને તમે આટલી મોડી રાત્રે કયાંથી આવો છો અને કયાં નીકળ્યા છો?, તમે પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો છે, તમારી વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવો પડશે. આવી ધમકી આપી ટ્રાફિક જવાનોએ રૂપિયા બે લાખની માંગણી કરી હતી. આખરે રૂ. 60 હજાર આપવાનું નક્કી થતાં પોલીસ કર્મચારીઓ એ ટેક્સીમાં જ બેસી ગયા હતા અને નજીકમાં આવેલા એટીએમ પાસે લઇ જઇ તેમાંથી પતિ પાસેથી પૈસા ઉપાડી લેવડાવી તોડ કર્યો હતો. આ વિવાદ બહુ ચગતાં સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં આરોપી પોલીસ કર્મચારીઓ વિરૃદ્ધ ફરિયાદ પણ નોંધાઇ હતી અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, સમાચાર માધ્યમોમાં આ અંગેના પ્રસિધ્ધ થયેલા અહેવાલોના આધારે ગુજરાત હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાાન લઇ સુઓમોટો રિટ અરજી દાખલ કરી અમદાવાદ પોલીસ કમિશનર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો.