Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીની 5 થી 8 મી માર્ચ સુધી રહશે, કેવું હશે બજેટ?, બજેટનું કદ કેટલું રહેશે?

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે મળશે. આ સત્ર દરમિયાન ગુજરાત સરકાર આગામી નાણાકીય વર્ષ 2024-25નું અંદાજપત્ર ફેબ્રુઆરીમાં રજૂ કરશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ ફુલ ગુલાબી બજેટ આપવામાં આવશે, તેમ નાણા મંત્રાલય સાથે સંકળાયેલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ચૂંટણીનું વર્ષ હોવાથી ફુલ બજેટના બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવામાં આવી શકે છે. પરંતુ વોટબેંકને રાજી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ વધારાના વેરાની જોગવાઈ કરવામાં આવશે નહીં.

વિધાનસભાના બજેટ સત્રને લઈ રાજ્યના નાણા વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સ્ટેક હોલ્ડરો સાથેની મીટીંગો નાણા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. વિવિધ ઔદ્યોગિક ગૃહો પાસેથી આ માટેના સુચનો મેળવવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને આ બેઠકમાં ખુદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ હાજરી આપી ઔદ્યોગિક ગૃહોને વિવિધ બાબતોને આવરી લઈ બજેટમાં સમાવી લેવાનો પ્રયાસ કરવાના છે.

સત્તાવાર સૂત્રોની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી લોકરંજક બજેટ આપવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે તેવી સંભાવના છે. બજેટ સત્ર ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે તેવી સંભાવના છે. બિનસત્તાવાર સૂત્રો અનુસાર કહીએ તો, પાંચમી ફેબ્રુઆરીથી આઠમી માર્ચ દરમિયાન વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે અને આ બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારની પ્રાથમિકતા એ  પૂર્ણ બજેટ આપવા માટેની છે.

આગામી એપ્રિલ-મે મહિના દરમિયાન લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે ત્યારે સરકારના વહીવટી ખર્ચને પહોંચી વળવા લેખાનુંદાનના બદલે સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. ગત 2023-24ના નાણાકીય વર્ષ માટે 3.01 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે વર્ષ 24-25 માટે 20%નો વધારો કરી 3.60 લાખ કરોડથી પણ વધુ કદનું બજેટ રજૂ કરે એવી સંભાવના છે.

આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે સનદી અધિકારીઓ તનતોડ મહેનત કરે છે. બીજી બાજુ રાજયના નાણા વિભાગ દ્વારા તેના અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત સરકારના વર્ષ 2024-25નું સંપૂર્ણ વાર્ષિક બજેટ તૈયાર કરવા રાત દિવસ એક કરી મહેનત કરી રહ્યા છે.

આ પણ વાંચો : કોણ સાંભળશે ખેડૂતોની વેદના? 90 ટકા નુકસાન થતાં વધી હાલાકી