Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આરોપીએ સરકારી હોદ્દાનો દૂરપયોગ કર્યો – કોર્ટ

- જામીન મળશે તો પુરાવા સાથે ચેડા કરશે - સરકાર

ગાંધીનગર આરટીઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ વગર બોગસ પાકા લાઇસન્સ આપવાના કૌભાંડમાં સાઇબર ક્રાઈમ પોલીસે પકડેલા આરટીઓ ઓફ્સિર  જયદીપસિંહ સુરૂભા ઝાલાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આરોપી આરટીઓ ઓફિસરની જામીન અરજી ફગાવતાં નોંધ્યુ હતુ કે, આરોપી જાહેર સેવક હોઇ તેણે પોતાના સરકારી હોદ્દાનો દૂરપયોગ કર્યો છે અને તેની વિરૂધ્ધ વિશ્વાસધાત (ઈપીકોડ 409) અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ 11 મુજબ પ્રથમદર્શનીય ગુનો બને છે. આ ગુનાની તપાસ મહત્વના તબક્કે પેન્ડીંગ છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો સાક્ષી અને પુરાવા સાથે ચેડાં કરે તેવી શકયતા છે, તેથી હાલ આરોપી આરટીઓ અધિકારીને જામીન આપી ન શકાય.

ગાંધીનગર આરટીઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ વગર બોગસ પાકા લાઇસન્સ આપવાના કૌભાંડમાં સાઇબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ આરટીઓ ઓફ્સિર  જયદીપસિંહ સુરૂભા ઝાલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. અરજદાર જયદીપસિંહની જામીન અરજીનો વિરોધ કરતાં સરકારની રજૂઆત હતી કે, બોગસ  એજન્ટ ડ્રાઈવીંગ ટેસ્ટ વગર લાઇસન્સ લેનાર લોકોનો સંપર્ક કરીને તેના ડેટા મેળવીને આરટીઓ ઓફિસરને આપતો હતો. આ પછી આરટીઓ ઓફિસર લાઇસન્સના ડેટા સરકારની સારથી સર્વર પર પુશ કરતા હતા. એટલું જ નહીં એક બોગસ લાઇસન્સ બનાવવા માટે ત્રણેય રૂ. 10 હજાર કે તેથી પણ વધુની રકમ વસૂલતા હતા. ગાંધીનગર આરટીઓમાં વાહનના ડ્રાઈવીંગ ટેસ્ટ વગર નીકળેલા બોગસ પાકા લાઇસન્સ પકડાયા હતા.  લાઇસન્સ ડેટા અને ડ્રાઈવીંગ ટેસ્ટના વીડિયો અમદાવાદ કે ગાંધીનગર આરટીઓ કચેરીમાં મળી શક્યા ન હતા. ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની એપ્લિકેશનથી પાંચ લાઇસન્સના ડેટા સરકારના સારથી સર્વરમાં પુશ કરાયા હતા અને ચાર લાયસન્સ સારથી સર્વરમાં ટેસ્ટમાં પાસ બતાવતા હતા. પરંતુ ડ્રાઈવીંગ ટેસ્ટની કોઈ વિગતો મળી ન હતી. જેથી પોલીસે ટેકનીકલ એનાલિસીસ તથા હ્યુમન સોર્સની મદદ લઈને આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સમીર અને જયદીપ છેલ્લા એક વર્ષથી આરટીઓમાં ફ્રરજ બજાવતા હોવાથી તેમને તમામ બાબતોની જાણકારી હતી. આ લોકો આરટીઓ એજન્ટો સાથે મળીને રૂપિયા માટે બોગસ લાઇસન્સ બનાવતા હતા. તેમને સારથી  સર્વરનો પાસવર્ડની જાણ હોવાથી તેઓ પોતાના સર્વરની મદદથી લાઇસન્સના ડેટા સારથી  સર્વર પર પુશ કરતા હતા. આ કૌભાંડની તપાસ નાજુક તબક્કામાં હોઇ તેની જામીન અરજી ફગાવો.

ગંભીર ગુનાની કલમો નહી ઉમેરાતાં કોર્ટે તપાસનીશ અધિકારીની ટીકા કરી

આ કેસમાં ઈપીકોડની કલમ 409 અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ કલમ 11 મુજબ પ્રથમ દર્શનીય ગુનો બનતો હોવા છતાં તપાસ કરનાર અધિકારી દ્વારા આરોપીઓ  વિરૂધ્ધ આ કેસમાં ગંભીર ગુનાની કોઈ કલમનો ઉમેરો કરવામાં નહી હોવાના મુદ્દે કોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને તપાસનીશ અધિકારીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઇ આ હુકમની નકલ પ્રિન્સીપાલ જજ મારફતે તાત્કાલિક ધોરણે ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશકને મોકલી આપવા પણ હુકમ કર્યો હતો કે, જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.