Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કેનેડા એક એવો દેશ છે કે જેની આબોહવા ગુજરાતથી ઘણી અલગ છે. આવામાં જે વિદ્યાર્થીઓ અહીં વિન્ટર ઈન્ટેકમાં ભણવા માટે જઈ રહ્યા છે તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે. ત્યાના શિયાળાની ઠંડીનો એક અમદાવાદી યુવતીને પહેલીવારમાં જ કડવો અનુભવ થઈ ગયો છે. જો તમે કોઈ પણ બાબતની ભૂલ કરી તો શરીર ત્યાં લાકડા જેવું થતાં વાર નહીં લાગે. ગુજરાતીના અનુભવમાંથી કેટલીક બાબતો ત્યાં જવા માંગતા લોકો માટે શીખવા જેવી છે.

 કેનેડા જવું કે ન જવું તેને બાજુ પર રાખી જે જવાના છે તેમના વિશે અને મદદરુપ થાય તેવી માહિતી આ આર્ટિકલમાં આપવાની છે. અમદાવાદથી 5 મહિના પહેલા જ કેનેડા ગયેલી યુવતીએ પોતાને કેનેડામાં વિન્ટર શરુ થવાની સાથે જ આકરી ઠંડીનો અનુભવ થયો તે વિશે વાત કરી છે. મહેર નોકરીએથી છૂટી તો તેને કાચમાંથી દેખાયું કે બહાર તો તડકો છે,છતાં તેણે જેકેટ પહેરી રાખ્યું હતું. મહેર ઘરે પહોંચી ત્યારે તેને એવો અહેસાસ થયો કે જાણે તેના હાથ છે નહીં, કારણ કે તેણે હાથમાં પણ મોજા પહેર્યા નહોતા. પરંતુ તેને થયેલ અનુભવ પરથી તે એમ કહે છે કે અહીં પહેલીવાર બરફ જોઈને ગુજરાતની સાથે એવા પ્રદેશમાંથી જેઓ આવ્યા હોય કે પહેલીવાર આવું વાતાવરણ જોયું હોય તેમને ઘેલું લાગે છે. પણ આ પ્રકારના હવામાનમાં ખાસ કાળજી રાખવાની વધારે જરુર છે.

મહેર જણાવે છે કે કેનેડા ઘણી રીતે ગુજરાત અને ભારતના મોટાભાગના વિસ્તારો કરતા અલગ જ આબોહવા ધરાવે છે. આવામાં જેઓ ગુજરાતથી આવે તેમણે પહેલા ક્યારેય બરફ પડતો હોય તેવી જગ્યાએ રહેવાનો અનુભવ ન કર્યો હોય તેમના માટે શરુઆતના દિવસો ખૂબ જ કપરા સાબિત થઈ શકે છે. કેનેડામાં આ ઠંડીમાં ટકી રહેવું અને કૉલેજ તથા નોકરીનું શિડ્યુલ સાચવવું થોડું વધુ પડતું પડકારજનક બની જતું હોય છે.

કેનેડાની ઠંડીનો ગુજરાતીને કડવો અનુભવ

પોતાના અનુભવને લઈને વાત કરતા મહેર જણાવે છે કે, “આપણા ત્યાં શિયાળો આવે એટલે ખાલી પેક કરી મૂકેલ સ્વેટર્સ કે સાલ ઉતારવાના હોય, પરંતુ અહીં એવું જરાય નથી. અહીં શિયાળો શરુ થતાની સાથે જ આકરી ઠંડી અનુભવાઈ રહી છે. આવામાં હિમવર્ષા થાય ત્યારે પરિસ્થિતિ વધુ કપરી બની જતી હોય છે. મેં તો મહિના પહેલાથી કેનેડાના વિન્ટરની તૈયારી કરી લીધી હતી. જેમાં બે જેકેટ, હાથ-પગના મોજા, શિયાળાના બૂટ, બરફ પડતો હોય ત્યારે પહેરવા માટે સ્પેશિયલ બૂટ વગેરેકપડાનો સમાવેશ થાય છે. જેમાંથી ઘણી બધી વસ્તુઓ તો હું અમદાવાદથી લઈને આવી હતી. આટલી ઠંડીનો અનુભવ અગાઉ ન કર્યો હોય ત્યારે તકેદારી વધારે રાખવી પડે છે કારણ કે તમે બીમાર પડો તો મુશ્કેલી વધી જાય છે.”