Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જે બાર કાઉન્સિલની ટર્મ પૂર્ણ થાય છે, તેને બીસીઆઈએ 18 માસ સુધી લંબાવી

બીસીઆઈનો હુકમ – તમામ બાર કાઉન્સિલ વકીલોના વેરિફિકેશન 18 માસમાં પૂર્ણ કરે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે તમામ વકીલોને હુકમ કર્યો છે કે, તેમના વેરિફિકેશન અથવા ડિકલરેશન ફોર્મ 90 દિવસમાં પૂર્ણ કરો

ગુજરાત સહિત દેશભરમાં બોગસ અને ભૂતિયા વકીલોની ઓળખ અને વેરીફિકેશનની પ્રક્રિયા હજુ બાકી છે ત્યારે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ એક મહત્ત્વના નિર્ણય મારફતે તેના બીસીઆઇ રૃલ-૩૨માં સુધારો કરી દેશની તમામ બાર કાઉન્સીલોની ટર્મ પૂરી થતી હોય તો તે વધારી વેરીફિકેશનની પ્રક્રિયા ૧૮ મહિનામાં પૂર્ણ કરવા હુકમ કર્યો છે અને એ પછીના છ મહિનામાં સ્ટેટ બાર કાઉન્સીલની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવા તાકીદ કરી છે. બીજી બાજુ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજયના ૬૦ હજાર જેટલા વકીલોને તેમના વેરીફિકેશન ફોર્મ અથવા ડેકલેરેશન ફોર્મ ૯૦ દિવસમાં જમા કરાવી દેવા હુકમ કર્યો છે. આ ઉપરાંત, એ પણ કહ્યું છે કેબાર કાઉન્સિલના વેરીફિકેશનમાં જો કોઇ એડવોકેટ નોન પ્રેકટીસીંગ કે નકલી માલૂમ પડશે તો તેવા વકીલને એડવોકેટ તરીકે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર મામલે ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ બીસીઆઇ રૃલ્સ-૩૨માં નોંધનીય સુધારા મારફતે દેશની તમામ બાર કાઉન્સીલને ફરમાન કર્યું છે કે, કોઇપણ સ્ટેટ બાર કાઉન્સીલમાં નોન પ્રેકટીસીંગ એડવોકેટ કોઇપણ રીતે મેમ્બર કે મતદાર બનવો જોઇએ નહી. આ માટે નોન પ્રેકટીસીંગ એડવોકેટની ઓળખ અને બોગસ વકીલની ખરાઇના વેરીફિકેશનની પ્રક્રિયા હાથ ધરવા માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ વધારાના ૧૮ મહિનાનો સમય આપ્યો છે. એટલે કે, જે સ્ટેટ બાર કાઉન્સીલની મુદત પૂરી થતી હોય તેની મુદત દોઢ વર્ષ સુધી વધારી આપી છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રૃલ-૩૨માં આ અંગેના જરૃરી સુધારા જારી કરી તેનું જાહેરનામું પણ બીસીઆઇએ પ્રસિધ્ધ કરી દીધુ છે.

જેથી ગુજરાત બાર કાઉન્સીલની તા.૨૪-૮-૨૦૨૩ પૂર્ણ થઇ રહેલી ટર્મમાં પણ વધારો થયો છે અને સાથે સાથે બોગસ અને ભૂતિયા વકીલોના વેરીફિકેશનની પ્રક્રિયા બાકી હોઇ આ ૧૮ મહિનામાં વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરી છે. એ પછીના છ મહિનામાં સ્ટેટ બાર કાઉન્સીલની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવા તાકીદ કરાઇ છે. વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાના ભાગરૃપે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા પણ રાજયના તમામ વકીલમંડળો પાસેથી વકીલોના વેરીફિકેશન અને ડેકલેરેશન ફોર્મ સાથેની જરૃરી માહિતી મંગાવી છે. જેમાં ગુજરાત બાર કાઉન્સીલે ૧૯૭૬ પછીના રાજયના તમામ વકીલો પાસેથી પ્લેસ ઓફ પ્રેકટીસ એન્ડ વેરીફિકેશનના ફોર્મ, તેની સાથે પાંચ વકીલપત્ર તેમ જ શૈક્ષણિક સર્ટિફિકેટ મંગાવ્યા છે. તેમ જ ૨૦૧૦ પછીના વકીલો પાસેથી ડેકલેરેશન ફોર્મ અને શૈક્ષણિક પ્રમાણપત્રો મંગાવ્યા છે.

રાજયમાં અત્યારસુધી ૪૦ હજારથી વધુ વકીલોએ વેરીફિકેશન ફોર્મ અને ડેકલેરેશન ફોર્મ બાર કાઉન્સીલને મોકલી આપ્યા છે. જો કે, હજુ ૬૦ હજાર જેટલા વકીલોના વેરીફિકેશન અને ડેકલેરેશન ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેથી આ બાકી રહેલા ૬૦હજારથી વધુ વકીલોને તેમના વેરીફિકેશન ફોર્મ અથવા ડેકલેરેશન ફોર્મ ૯૦ દિવસમાં બાર કાઉન્સીલમાં જમા કરાવી દેવા તાકીદ કરાઇ છે. જેની ખરાઇ તેમ જ વેરીફિકેશન દરમ્યાન જો કોઇ એડવોકેટ નોન પ્રેકટીસીંગ કે બોગસ માલૂમ પડશે તો તેને એડવોકેટ તરીકે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : સેશન્સ કોર્ટે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને 21 વર્ષ અને 3 માસની સજા ફટકારી