Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- જે વકીલો સમયમર્યાદામાં વેરિફિકેશન ફોર્મ જમામ કરાવશે નહીં, તેની વકીલાતની પ્રેક્ટિસ આપોઆપ બંધ થઈ જશે

- બીસીઆઈના નિર્દેશનુ પાલન કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉભુ કરવુ પડશે - બીસીજી

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં બોગસ અને ભૂતિયા વકીલોની ઓળખ અને વેરીફિકેશન માટે સુપ્રીમકોર્ટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પાસેથી માંગેલા જવાબ અનુસંધાનમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશની તમામ બાર કાઉન્સીલોને પત્ર પાઠવી વકીલોના વેરીફિકેશન ફોર્મ, ડેકલેરેશન ફોર્મ, માર્કશીટ, ડિગ્રી સહિતના પ્રમાણપત્રોના ચોક્કસ અને અપ ટુ ડેટ ડેટા માંગ્યો છે. જે સ્ટેટ બાર કાઉન્સિલમાં વકીલોના વેરીફિકેશન કે ડેકલેરેશન ફોર્મની પ્રક્રિયા બાકી છે તેવા કિસ્સામાં હવે ઓનલાઇન વેરીફિકેશન કરવા બીસીઆઇએ મહત્ત્વના નિર્દેશ જારી કર્યા છે. આ ઉપરાંત, નિયત સમયમર્યાદામાં વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા અને વકીલોને તેમના વેરીફિકેશન ફોર્મ જમા કરાવવા કડક તાકીદ કરાઇ છે. બીસીઆઈ દ્વારા એ પણ હુકમ કરાયો છે કે, જો નક્કી કરેલી સમયમર્યાદામાં વેરીફિકેશન ફોર્મ જમા નહી થાય તો વકીલાતની તેમની પ્રેકટીસ આપોઆપ બંધ થઇ જશે.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા બીસીજી ને સુચના અપાઈ છે કે, રાજયના કેટલા વકીલો, તેમની સંખ્યા, સિનિયર એડવોકેટ્સના ડેકલેરેશન ફોર્મ, કેટલી યુનિવર્સિટીઓ અને પરીક્ષા બોર્ડને ડિગ્રીઓ વેરીફિકેશન માટે મોકલાઇ, યુનિવર્સિટી અને બોર્ડમાંથી કેટલી ડિગ્રીઓ વેરીફિકેશન થઇ પરત આવી, કેટલી બોગસ ડિગ્રી અને શૈક્ષણિક લાયકાત માલમૂ પડી..? તે સહિતના પ્રશ્નોના ચોક્કસ આંકડા અને પધ્ધતિસરની માહિતી 02-08-23 સુધીમાં રજૂ કરો.

બીસીજીની વેરિફિકેશન કમિટીના સભ્ય, અનિલ કેલ્લાએ જણાવેલુ છે કે, દેશભરમાં કાયદાના વ્યવસાયમાં વિશ્વસનીયતા અને નીતિમત્તા જળવાઇ રહે તે હેતુથી સુપ્રીમકોર્ટે વકીલાતના વ્યવસાયમાં ભૂતિયા અને બોગસ વકીલોને દૂર કરવા અને તેથી તેને લઇ વેરીફિકેશન પ્રક્રિયા હાથ ધરવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને નિર્દેશ કર્યો હતો અને આ સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. સુપ્રીમકોર્ટ દ્વારા વેરીફિકેશનનો મુદ્દો ખૂબ મહત્ત્વનો હોઇ આ મામલે હાઇ પાવર કમિટીની રચના પણ કરી છે. આ હાઇપાવર કમિટીએ તમામ સ્ટેટ બાર કાઉન્સીલો પાસેથી વેરીફિકેશન સંબંધી ચોક્કસ વિગતો અને ડેટાની જાણકારી માંગી છે. જો વેરીફિકેશનની પ્રક્રિયા બહુ જટિલ અને લાંબી હોઇ તે ઝડપથી અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ બીસીઆઇને કમિટીએ સુચના આપેલી છે અને તેથી હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાકીની વેરીફિકેશન પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે. કમિટીના નિર્દેશાનુસાર, બીસીઆઈએ આ અંગે ગુજરાત સહિત દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલને પત્ર પાઠવી વેરીફિકેશન ફોર્મ, ડેટા સહિતની વિગતો માંગી છે. પત્રમાં જે સ્ટેટ બાર કાઉન્સીલમાં દસ હજારથી ઓછા ફોર્મ બાકી હોય તેમણે 31-10-2023 સુધીમાં વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવા તાકીદ કરાઇ છે, જયારે જે સ્ટેટ બાર કાઉન્સીલમાં 25 હજારથી ઓછા ફોર્મ બાકી હોય તેમણે તા.31-12-2023 સુધીમાં પૂર્ણ કરી દેવા જણાવાયું છે. નિયત સમયમર્યાદા પછી વેરીફિકેશન ફોર્મ જમા કરાવનાર વકીલોની વકીલાતની પ્રેકટીસ આપોઆપ બધ થઇ જશે. ઓનલાઇન સિવાય ફિઝીકલ ફોર્મની પ્રક્રિયા કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય નહી રહે તેવો પણ તમામ સ્ટેટ બાર કાઉન્સીલને કડક નિર્દેશ કરવામાં આવ્યો છે, જેને પગલે ગુજરાત સહિત તમામ સ્ટેટ બાર કાઉન્સીલોને બાકીની વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઓનલાઇન પોર્ટલ ઉભુ કરવુ પડશે.