Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુનાની ગંભીરતાને જોતા આરોપીઓને જામીન આપી ન શકાય - કોર્ટ

કેનેડા વિઝા માટે ખોટા બાયોમેટ્રિક લેટર બનાવવાનો મામલો

સેશન્સ કોર્ટે બે આરોપીઓની જામીન અરજી ફગાવી

વીએફએસ સેન્ટરના આરોપ કર્મચારીઓ સાથે મળીને આ કૌભાંડ આચરાયેલુ છે

કેનેડા વિઝા માટેના ખોટા બાયોમેટ્રીક લેટર બનાવવાના કૌભાંડના કેસમાં સિટી-સિવિલ સેશન્સ કોર્ટે આરોપી મેહુલ વિરમભાઈ ભરવાડ અને હરિશ દેવજીભાઈ પંડ્યાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે, આરોપીઓ વિરૂધ્ધ ખૂબ જ ગંભીર પ્રકારનો પ્રથમદર્શનીય ગુનો છે અને હાલમાં કેસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. અત્યાર સુધીની તપાસમાં ૨૮ યુવક-યુવતીઓના બોગસ બાયોમેટ્રીક લેટર ઇશ્યુ કરાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ત્યારે ગુનાની ગંભીરતાને જોતાં આરોપીઓને જામીન આપી ન શકાય.

સુનાવણી દરમિયાન, મુખ્ય સરકારી વકીલની રજૂઆત હતી કે, શહેરના આશ્રમરોડ પર આવેલ VFS ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના સેન્ટરમાં કામ કરતાં આરોપી કર્મચારીઓ મેલ્વીન ક્રિસ્ટી, સોહેલ દિવાન, પૂર્વ કર્મચારી મેહુલ ભરવાડ તથા અન્ય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સુનિયોજીત કાવતરૃં રચ્યુ છે. જેમાં તેમણે આર્થિક લાભ મેળવવા માટે વિઝા એપ્લીકેશન માટે આપવાના થતાં બાયામેટ્રીક માટેના કેનેડા હાઇકમીશન દ્વારા ઇશ્યુ થતાં એપોઇન્ટમેન્ટ લેટર વગર જુદા જુદા ૨૮ વ્યકિતઓના બાયોમેટ્રીક કરાવી VFS કંપની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો બહુ ગંભીર ગુનો આચર્યો છે. આરોપી મેહુલ ભરવાડ અગાઉ વીએફએસ કંપનીમાં કામ કરતો હતો. તેણે આરોપી હરેશ પંડયાના ગ્રાહકોના બોગસ બાયોમેટ્રીક કરાવ્યા છે, જે કામ માટે આરોપી મેહુલ ભરવાડ એક વ્યકિત દીઠ રૂ. ૨૦ હજાર આરોપી હરેશ પંડયા પાસેથી મેળવતો હતો. પોતે વીએફએસના કર્મચારી મેલ્વીન ક્રિસ્ટીને સાત હજાર આપતો હતો. આ કેસમાં ખુદ કેનેડા હાઇકમિશને  કુલ ૨૮ વ્યકિતઓના ખોટા બાયોમેટ્રીક થયા હોવાની વિગત ફરિયાદી કંપનીને આપી હતી. સમગ્ર કેસમાં ઘણી ટેકનીકલ અને સંવેદનશીલ બાબતો જોડાયેલી છે અને તેની ઝીણવટભરી તપાસ ખૂબ જરૃરી છે. હાલ કેસની તપાસ નાજુક તબક્કામાં છે. જો આવા તબક્કે આરોપીઓને જામીન અપાય તો કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા થવાની શકયતા નકારી શકાય નહી. તેથી કોર્ટે આરોપીઓને જામીન આપે નહીં. 

આ પણ વાંચો : રમખાણ કેસમાં ખોટા દસ્તાવેજ અને પુરાવાનો મામલો