Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • ભૂતકાળમાં આ કેસમાં હાઈકોર્ટે પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે
  • મોરબી ઝુલતો પુલ દુર્ઘટના મામલો
  • ઓરેવા ગૃપના મેનેજર દિનેશની જામીન અરજી હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ નોટ બિફોર મી કરી
  • ઓરેવા ગૃપના જયસુખ પટેલે પણ હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી છે

મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાના કેસમાં આરોપી  અને ઓરેવા ગૃપના મેનેજર દિનેશ દવેની જામીન અરજીને ગુરૂવારે હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ નોટ બિફોર મી કરી છે. હવે આ અરજીને હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસને મોકલાશે અને તેઓ આ અરજીને સુનાવણી માટે અન્ય બેંચને સુપરત કરશે, આ પછી આ અરજી પર સુનાવણી હાથ ધરાશે.

મહત્વનુ છે કેભૂતકાળમાં આ કેસમાં હાઈકોર્ટે કુલ પાંચ આરોપીઓના ( ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્ક) જામીન મંજૂર કરેલા છે. આ જ કેસમાં આરોપી અને ઓરેવા ગૃપના સંચાલક જયસુખ પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી ફાઈલ કરેલી છે. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે સાપરાધ મનુષ્ય વધ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધેલી છે.

કેસની વિગત જોઈએ તો, ગત વર્ષે ઓક્ટોબરના અંતમાં દિવાળી બાદ, મોરબીનો ઝુલતો પુલ તુટવાની દુર્ઘટના ઘટેલી. જેમાં 134 જેટલા નિર્દોષ લોકોના મોત થયેલા અને આ મુદ્દા પર હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી પણ દાખલ કરેલી છે. જેમાં, હાઈકોર્ટના કડક વલણ બાદ, સરકારે અને તંત્રએ બેદરકારી દાખવવા બદલ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરેલી છે અને ઓરેવા કંપનીના માલિક અને અન્ય આરોપીઓની ધરપકડ કરેલી છે. આ કેસમાં હાઈકોર્ટના કડક વલણ બાદ, ઓરેવા કંપનીના માલિકે કુલ રૂ. ૧૪.૬૨ કરોડ જેટલી રકમ પીડિતોના વળતર માટે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવી હતી. હાઇકોર્ટે વળતરની આ રકમ પિડીતોના પરિવારજનોને ચૂકવી આપવા રાજય સરકારને હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : ગીરની હિરણ નદીમાં ગંદકી અને પ્રદુષણના કારણે લોકો ભોગ ન બનવા જોઈએ: હાઈકોર્ટ