Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટના કડક વલણ બાદ ગુજરાત સરકારે આખરે રેરા ટ્રિબ્યુનલ(ગુજરાત રીયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ)ના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જજ અને ગૌહાટી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર.એમ.છાયાની નિમણૂંક કરી છે. રાજય સરકારે આ અંગેનું વિધિવત જાહેરનામું બહાર પાડ્યુ છે.

ભૂતકાળમાં ગુજરાત રેરા ટ્રિબ્યુનલમાં સભ્યોની નિમણૂંક ન કરવા બદલ ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢી હતી અને સરકાર પાસે જવાબ માગ્યો હતો. આ મુદ્દે રાજય સરકારે હાઇકોર્ટ સમક્ષ રેરા ટ્રિબ્યુનલમાં ચેરપર્સનની નિમણૂંક મુદ્દે ખાતરી આપી હતી. તેના અનુસંધાનમાં સરકારે રેરા ટ્રિબ્યુનલના ચેરમેનની નિમણૂંકનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, રેરા ઓથોરીટીમાં ચેરપર્સન અને બે સભ્યોની નિમણૂંક નહી થઇ હોવાના મુદ્દે તેમ જ રેરા ટ્રિબ્યુનલમાં ચેરપર્સન અને ટેકનીકલ મેમ્બરની નિમણૂંક નહી થઇ હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. જેમાં તાજેતરમાં જ સરકારે રેરા ઓથોરીટીમાં ચેરપર્સનની નિમણૂંક કરી હતી. પરંતુ બે સભ્યોની નિમણૂંક બાકી હતી, જે નિમણૂંક બે સપ્તાહમાં કરી દેવાની સરકારે ખાતરી આપી હતી. જયારે રેરા ટ્રિબ્યુનલમાં ચેરપર્સનની નિમણૂંકની પ્રક્રિયા ટૂંક સમયમા જ પૂર્ણ કરી દેવાની ખાતરી આપી હતી. જેનું પાલન કરવાના ભાગરૂપે આજે સરકારે આ જાહેરનામું બહાર પાડ્યુ હતુ.