Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- મેટ્રો કોર્ટે હાજર રહેવા માટે કરેલા હુકમની સામે હાઈકોર્ટમાં અરજી

- આ અરજી પર 11 ઓગષ્ટે સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવસટી વિશે બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહે મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ હાજર થવામાંથી બચવા માટે હવે ગુજરાત હાઇકોર્ટનું શરણું લીધુ છે. મેટ્રો કોર્ટ દ્વારા જારી સમન્સને પડકારતી રિવીઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવતાં આ બંને નેતાઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી હાઇકોર્ટે તા. 11મી ઓગસ્ટે હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવસટીના કુલસચિવ ડો.પિયુષ પટેલે આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૃધ્ધ અત્રેની મેટ્રો કોર્ટમાં કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૂધ્ધ સમન્સ જારી કર્યા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી આ બને નેતાઓ કોર્ટ સમન્સ અને નિર્દેશ છતાં અદાલત સમક્ષ હાજર થયા ન હતા. અરવિંદ કેજરીવાલના વકીલે 13મી જુલાઈના રોજ અરજી કરીને રજૂઆત કરેલી કે દિલ્હીમાં પૂરની પરિસ્થિતિ હોવાથી તેઓ હાજર રહી શકયા નથી. જેથી મેટ્રોપોલીટન કોર્ટ 26મી જૂલાઇ સુધી હાજર રહેવામાંથી રાહત આપી હતી. દર મુદતે તેમના વકીલ તરફથી મુક્તિ અરજી આપી વધુ એકવાર મુદત માંગી લેવામાં આવતાં ફરિયાદ પક્ષ તરફથી જોરદાર વાંધો ઉઠાવાયો હતો. જો કે, 26મી જૂલાઇએ હાજર થવાનું આવે તે પહેલાં જ આપના આ બંને નેતાઓએ સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી મેટ્રોપોલીટન કોર્ટના સમન્સના હુકમને પડકાર્યો હતો. જો કે, સેશન્સ કોર્ટે આ રિવીઝન અરજી ફગાવી દીધી હતી અને તેમને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જેથી બંને નેતાઓએ તેની સામે હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરેલી છે.