Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પૂર્વ સિક્કિમના છાંગુ-નાથુલાની મુલાકાતે આવેલ 800થી વધુ પ્રવાસીઓ બુધવારે ખરાબ હવામાન અને હિમવર્ષાને કારણે ત્યાં ફસાયા હતા. આ પ્રવાસીઓમાં વૃદ્ધો,મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાની સાથે ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ તાત્કાલિક જ કાર્યવાહી કરી અને ફસાયેલ પ્રવાસીને બચાવી લીધા હતા.

બપોર પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. તાપમાનનો પારો ગગડતાની સાથે રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ છે. હિમવર્ષાને લીધે વાહનોની અવરજવર પણ થંભી ગઈ હતી અને પૂર્વ સિક્કિમમાં પર્યટન સ્થળ ચાંગુ-નાથુલાની મુલાકાતે ગયેલ પ્રવાસીઓ રસ્તામાં જ અટવાયા હતા.

તબીબી સહાય,ભોજન અને આશ્રય :

ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરી રાત સુધી ચાલુ રહી હતી. જ્યારે પ્રવાસીઓને સુરક્ષિત વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમને આવાસ, ગરમ કપડાં, તબીબી સહાય અને ગરમ ખોરાક પણ આપવામાં આવી રહ્યો છે. ફસાયેલ પ્રવાસીઓને રહેવા માટે સૈનિકોએ તેમની બેરેક ખાલી કરી હતી.

જવાનોની તાત્કાલિક કાર્યવાહીથી પ્રવાસીઓને પણ ઘણી રાહત મળી હતી. હવામાન સારું રહેશે તો ગુરુવારે પણ પ્રવાસીઓને રાજધાની ગંગટોક લાવવામાં આવશે.

તાજેતરમાં જ પરમિટ શરૂ કરવામાં આવી

હાલમાં જ,સિક્કિમમાં હવામાનમાં ભારે પલટો આવ્યો અને મોટાભાગના વિસ્તારોમાં અત્યંત ઠંડી જોવા મળી છે. ઉત્તર સિક્કિમના લાચુંગ અને તેના ઉપરના વિસ્તારોમાં પણ હાલ હિમવર્ષા ચાલુ છે. રાવંગલા સહિત ઘણા વિસ્તારોમાં કરાં પડવાની પણ માહિતી મળી છે. સત્તાવાળાઓએ તાજેતરમાં જ થોડા મહિનાઓ પહેલા આવેલ વિનાશક પૂરના કારણે સિક્કિમના આ વિસ્તારોની મુલાકાત લેવા માટે પ્રવાસીઓને પરમિટ આપવાનું શરૂ કર્યું હતું.

માર્ચમાં પણ સેનાએ 900 લોકોને બચાવ્યા

માર્ચમાં પણ ભારતીય સેનાના જવાનો અને સ્થાનિક પોલીસે સંયુક્ત બચાવ અભિયાન હાથ ધર્યું અને 900 પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડ્યા હતા. આ પ્રવાસીઓ નાથુલા અને ત્સોમગો તળાવોથી ગંગટોક જતા ભારે હિમવર્ષા વચ્ચે અટવાયા. હિમવર્ષાને લીધે વાહનોની અવરજવર બંધ થઈ છે. તેઓ રસ્તામાં અટવાઈ ગયા હતા. આશરે 15 કિલોમીટરના વિસ્તારમાં 200 વાહનો ફસાયા હતા.