Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: માત્ર શૈક્ષણિક લાયકાત વધુ હોવાના કારણ માત્રથી જાહેરાતમાં નિર્દિષ્ઠ શરતોનો ભંગ કરીને નિમણૂંક આપી શકાય નહી એવા મહત્ત્વપૂર્ણ અવલોકનો સાથે પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના મીડ ડે મીલ સેન્ટર(મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્ર)ના કો-ઓર્ડિનેટર કમ કુક તરીકે નિમણૂંક કરવાના સત્તાધીશોના નિર્ણયને રદબાતલ ઠેરવવાના અને જાહેરાતમાં નિર્દિષ્ઠ શરતોને પરિપૂર્ણ કરતાં પાત્રતા ધરાવતા ઉમેદવારની નિમણૂંક કરવા અંગેના હાઈકોર્ટની ખંડપીઠના આદેશ સામે કરાયેલી અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

આ અરજીનો વિરોધ કરતા અન્ય મહિલા ઉમેદવારના વકીલની રજૂઆત હતી કે, મોરવા તાલુકાના મીડ ડે મીલ સેન્ટર ખાતે કો-ઓર્ડિનેટર કમ કુકની નિમણૂંક માટે 11-02-2016ના રોજ સત્તાવાળાઓ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. જેમાં એવી સ્પષ્ટ શરત રાખવામાં આવી હતી કે, અરજદાર એસએસસી પાસ હોવા જોઇએ અને ઉમેદવાર એ જ ગામના હોવા જોઇએ. વળી, અરજદારના પરિવારના કોઇ સભ્ય કે સગા સરકારી નોકરી કરતા હોવા જોઇએ નહી. ભાવનાબહેન પરમાર આ તમામ ધારાધોરણો પરિપૂર્ણ કરતા હોવાછતાં સત્તાવાળાઓ દ્વારા બિલકુલ ખોટી અને ગેરકાયદે રીતે કો-ઓર્ડિનેટર કમ કુક તરીકે અરજદાર ડિંડોર સુરેખાબહેનને નિમણૂંક આપી દીધી હતી. સુરેખાબહેન કોઇપણ રીતે જાહેરાતમાં નિર્દિષ્ઠ ધારાધોરણ પરિપૂર્ણ કરતા ન હતા. જેમ કે, તેઓના ટકા એસએસસીમાં 63.6 ટકા હતા, જેની સામે ભાવનાબહેન પરમારના એસએસસીમાં 68.49 ટકા હતા. અરજદાર સુરેખાબહેન સ્થાનિક નિવાસી નથી અને તેમના સગા(સસરા) પણ સરકારી નોકરીમાં છે. જયારે ભાવનાબહેન તો સ્થાનિક નિવાસી છે અને તેમના કોઇ સગા કે પરિવારના સભ્ય સરકારી નોકરીમાં નથી. આમ, તમામ શરતો પરિપૂર્ણ કરતાં હોવા છતાં સત્તાવાળાઓએ માત્ર સુરેખાબહેનની શૈક્ષણિક લાયકાત બી.એ ની હોવા માત્રથી તેમને નિમણૂંક આપી દીધી હતી. જે બિલકુલ ગેરકાયદે અને અયોગ્ય નિર્ણય છે કારણ કે, જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત એસએસસી પાસની જ માંગવામાં આવી છે, તેથી વધુ લાયકાત ધરાવતાં ઉમેદવારને પાત્રતા ધરાવતા ઉમેદવારના નોકરી અધિકારને છીનવી નિમણૂંક આપી શકાય નહી.