Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટે ટોરેન્ટપાવરને નોટિસ પાઠવી

- વીજબિલની જવાબદારી જગ્યાના માલિક પર લાદી ન શકાય 

અમદાવાદ: ભાડે જગ્યા રાખનાર ભાડુઆત દ્વારા વીજબિલની બાકી રહેલી રકમ ભરવામાં આવી ન હોય તો, તે સ્થિતિમાં જગ્યાના મૂળ માલિકને નવુ વીજ કનેકશન કે પુનઃ વીજ જોડાણ આપવાની ના પાડી શકાય નહીં, તે મુદ્દા સાથે થયેલી અરજીમાં સુનાવણી બાદ, હાઈકોર્ટે ટોરેન્ટ પાવર લિ.ને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 25 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદાર ઐયુબખાન હૈદરખાન પઠાણના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, અરજદારે વર્ષ ૨૦૧૪માં શહેરના નારોલ વિસ્તારમાં પોતાની જમીન બાલાજી ટેક્સ ફેબ નામની ફર્મને લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટથી ભાડે આપી હતી. જે કરાર સાત વર્ષનો હતો. બાલાજી ટેક્સ ફેબ દ્વારા ટેક્ષ્ટાઇલનો બિઝનેસ આ જગ્યા પર શરૂ કરેલો, થોડા વર્ષો સુધી ધંધો સારો ચાલ્યા બાદ મંદી આવતાં ફર્મ દ્વારા વીજ બીલ ભરવામાં આવ્યું ન હતું અને પાછલા કેટલાક વર્ષોમાં આ વીજબિલ કુલ મળીને રૂ. 40 લાખ બાકી નીકળતા આખરે ટોરન્ટ પાવર દ્વારા ફર્મનું વીજ કનેકશન કાપી નાંખવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ફર્મના માલિકનુ પણ નિધન થયેલુ. બીજી તરફ, અરજદાર કે જે મૂળ માલિક છે, તેમણે પુનઃ વીજ જોડાણ અને નવા વીજ કનેકશન માટે ટોરન્ટ પાવરમાં અરજી પણ કરી હતી. જો કે, તે અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી. અરજદાર તો મૂળ માલિક છે અને વીજ કનેકશનનું મીટર ભાડુઆત ફર્મના નામનું હતુ અને વીજ બીલના પૈસા તે ફર્મને ભરવાના બાકી નીકળે છે. માલિકને કોઇ પૈસા ભરવાના થતા જ નથી. સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા મુજબ, વીજબીલની જવાબદારી માલિક પર લાદી શકાય નહી. આ કેસમાં પણ વીજ બીલની બાકી નીકળતી રકમ ભરવાની જવાબદારી ભાડુઆત ફર્મની રહે છે અને તેમાં મૂળ માલિકને કોઇ લેવાદેવા નથી. વીજ કંપની દ્વારા જો આવા કારણસર અરજદારને પુનઃ વીજ જોડાણ કે નવું વીજ કનેકશન પણ ના આપવામાં આવે તો તે પોતાના ઉપયોગ માટે કે અન્ય કોઇને આ જગ્યા ભાડે આપે તો તે લાઈટ વગર કેવી રીતે ગુજરાન ચલાવી શકે ?  આ સંજોગોમાં હાઇકોર્ટ વીજ કંપનીને હુકમ કરે કે, અરજદારપક્ષને તાત્કાલિક ધોરણે નવા વીજ કનેકશન માટે કે પુનઃ વીજ જોડાણ  આપે. વળી, જો વીજ કંપનીને બીલની રિકવરી કરવી પણ હોય તો તે કાયદાકીય વિકલ્પ અને જોગવાઇ હેઠળ દાવો કે જરૃરી પ્રોસીડીંગ્સ કરી શકે છે પરંતુ આવા ગેરવાજબી કારણસર અરજદારનું વીજ જોડાણ અટકાવી શકે નહી.