Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આણંદ જિલ્લામાં ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. સાથે સાથે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં ડેન્ગ્યુના વધુ ચાર કેસ નોંધાયા છે. જેમાં આણંદ, કરમસદ, વિદ્યાનગર અને મોરડ ખાતેથી ડેન્ગ્યુના કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને તંત્રની 40 જેટલી ટીમો દ્વારા સર્વે કામગીરી તેજ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી આણંદ જિલ્લામાં બેવડી ઋતુના પગલે શરદી, ઉધરસ જેવી વાઈરલ બીમારીએ માથું ઉંચક્યું છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. જિલ્લામાં ડેન્ગ્યુના કેસો વધતા જિલ્લાવાસીઓમાં ચિંતાની લાગણી વ્યાપી છે. 

દિવાળી પર્વ પછી ધીમે ડગલે શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે અને લઘુત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. જો કે છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. રાજ્યના કેટલાક સ્થળોએ માવઠું થવાની શક્યતા વચ્ચે આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચે ગયો છે. 

જેને લઈ મોડી રાત્રિથી પરોઢ સુધી ઠંડી, જ્યારે બપોરે જિલ્લાવાસીઓ ગરમીનો અનુભવ થાય છે. બેવડી ઋતુના કારણે જિલ્લામાં વાઈરલજન્ય બીમારીએ માથું ઉંચક્યું છે. આણંદ જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે પ્રતિ દિન ઓપીડીમાં પણ 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે અને મુખ્યત્વે શરદી, ઉધરસ, વાઈરલ ફીવરના કેસો વધ્યા હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે. 

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન 33.2 ડી.સે. અને લઘુત્તમ તાપમાન 21.0 ડી.સે. નોંધાયું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા, પવનની ઝડપ 2.3 કિ.મી./કલાક અને સુર્યપ્રકાશ 8.6 નોંધાયો હતો. ગત શનિવારના રોજ લઘુત્તમ તાપમાનનો પારો 17.2 ડી.સે. સુધી ગગડી ગયો હતો. જો કે ત્યારપછી ધીમે ધીમે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ગયો છે અને ઠંડીનું પ્રમાણ પણ ઘટયું છે.

આ પણ વાંચો:પોરબંદરમાં હિટ એન્ડ રનનો વધુ એક કિસ્સો, કારે ત્રણ વાહનોને લીધા અડફેટે