Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સ્ટેન્ડિંગ કમિટીએ રખડતા ઢોર સંદર્ભના નવી પોલિસીને મંજૂરી આપી -એએમસી

રખડતા ઢોરના ત્રાસના પ્રશ્નને ઉકેલવા સતત કાર્યશીલ - એએમસી

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં છેલ્લા 11 મહિનામાં કુલ 17049 ઢોરો પકડવામાં આવ્યા છે, જેમાં 980 જેટલી એફઆઇઆર ઢોરમાલિકો સામે નોંધવામાં આવી છે. જાહેરમાં રોડ પર કે ખુલ્લામાં ઘાસ વેચતા 66થી વધુ લોકો સામે જપ્તી સહિતની આકરી કાર્યવાહી કરાઇ છે. તો 34861 કિલો ઘાસનો જથ્થો પણ જપ્ત કરાયો છે અને 32541 ઢોરોના ટેગીંગ કરાયા છે.

રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના હુકમોનું પાલન નહી થતાં એડવોકેટ અમિત પંચાલે કરેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં એએમસી (Amdavad Municipal Corporation) દ્વારા આ સોગંદનામું રજૂ કરેલુ. એએમસીના સીએનસીડી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સોંગદનામું રજૂ કરીને જણાવેલુ કે, રખડતા ઢોરોના ત્રાસના નિવારણ સંબંધી એએમસીએ તૈયાર કરેલી પોલિસીને એપ્રિલ 2023માં સ્ટેન્ડીંગ કમીટી  દ્વારા પરત મોકલી દેવાયેલી. જો કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર તેને તા. 13-7-2023ની બેઠકમાં અરજન્ટ એજન્ડા તરીકે મૂકાઇ હતી. જેને પગલે સ્ટેન્ડીંગ કમીટીએ પણ એક મહત્વના નિર્ણય મારફતે રખડતા ઢોરોના ત્રાસના નિવારણ માટેની આ નવી પોલિસી 13-7-2023ના ઠરાવથી અમલી બનાવતી મંજૂરી આપી દીધી છે. આ નવી પોલિસી અંતર્ગત ઢોરો રાખવા માટે લાયસન્સ ફરજિયાત, આરએફઆઇડી ટેગ, રોડ પર ઘાસ નહી વેચી શકાય, રખડતા ઢોરોને જાહેર માર્ગો કે ખુલ્લામાં છૂટા મૂકવા બદલ જપ્ત કરવા સહિતના નિર્ણયોનો સમાવેશ થાય છે.

એએમસી દ્વારા શહેરમાં રખડતા ઢોરો (Stray Cattle)ના ત્રાસ નિવારણ અને તેને પકડવાની કામગીરી માટે હાઇકોર્ટના નિર્દેશાનુસાર સતત ઝુંબેશ ચાલુ છે અને અસરકારક કામગીરી કરી રહી છે. આ ઉપરાંત, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટેની આ નવી પોલિસીની અસરકારક અને ચુસ્ત અમલવારી માટે પણ એએમસી ખરા અર્થમાં કામગીરી કરશે.