Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આ ઘટના ચિંતાજનક, ચલાવી ન લેવાય: હાઈકોર્ટ

આ કેસ મુદ્દે હાઈકોર્ટે જાતે સુઓમોટો અરજી દાખલ કરી

અમદાવાદ એરપોર્ટથી રાત્રે ઘરે જતાં દંપતિને ખોટી રીતે આંતરીને ગુનો દાખલ કરવાની ધમકી આપી ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો દ્વારા રૂ. ૬૦ હજારનો તોડ કરવાના કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે દાખલ કરેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, જયારે ખુદ કાયદાના રક્ષક જ ભક્ષક બને તો તે બાબત ચિંતાજનક છે. આ બાબતને કોઇપણ સંજોગોમાં સાંખી લેવાય નહી. હાઈકોર્ટ આ બાબતે ચિંતિત છે અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો કે ઘટના ફરીથી ના બને તે માટે પોલીસ અને સરકારના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેર જ નહી, પરંતુ રાજયવ્યાપી માર્ગદર્શિકા બનાવવામાં આવે તે જરૂરી છે.

સુનાવણી દરમિયાન રાજય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે, આ કેસમાં પોલીસ કર્મચારીઓએ  તોડ કર્યો હોવાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલટેક્સ બુથના મળી આવેલા સીસીટીવી પરથી પણ પોલીસ કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વાત પુરવાર થઇ છે. જેને પગલે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને એકને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ શહેર પોલીસ કમિશરને અમદાવાદ શહેરની હુકમતના તમામ પોલીસ મથકો અને વિસ્તારોને લઇ માર્ગદર્શિકા પણ જારી કરાઇ છે. જે મુજબ, ફરજ પરના પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી નહી શકે. વધુમાં, રાત્રિના સમયે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મચારીઓ વિશેષરૂપે તહેનાત કરાશે. ખુદ ડીસીપી દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ અને હોમગાર્ડ પોઇન્ટની મુલાકાત લેવાનું ફરજિયાત બનાવાયું છે. સંબંધિત પોલીસ અધિકારીઓ દ્વારા ફરજ પર હાજર રહેનાર પોલીસ જવાનોના કોલ લેવાના રહેશે.

આ કેસમાં હાઇકોર્ટના વકીલે હાઈકોર્ટનુ ધ્યાન દોર્યું હતુ કે, આ કેસમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થયું છે અને તેથી સરકારે પીડિત દંપતિને યોગ્ય વળતર ચૂકવવું જોઇએ. આ સમગ્ર ઘટના બહુ ગંભીર અને વિચાર માંગી લે તેવી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ના થાય માટે માત્ર અમદાવાદ શહેર જ નહી પરંતુ રાજયભરમાં સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ચોક્કસ માર્ગદર્શિકા ઘડાવી જોઇએ

હાઇકોર્ટે એ પણ ટકોર કરેલી કે, દંપતિ ટેક્સીમાં જઇ રહ્યું હતું તેથી જાહેર પરિવહનના વાહનોમાં પેસેન્જર્સને યોગ્ય રીતે દેખાય તે પ્રકારે હેલ્પલાઇન નંબરો ડિસપ્લે થવા જોઇએ. બીજીબાજુ, હાઇકોર્ટના વકીલ તરફથી આ મામલામાં કેટલાક અગત્યના સૂચનો કરવા માટે સમયની માંગણી કરાતાં હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહે રાખી છે.

હાઇકોર્ટ તરફથી હાજર થયેલા વકીલની રજૂઆત હતી કે, આ માત્ર એક કિસ્સાની વાત નથી, પરંતુ નાગરિકો સામે જોખમ કે મદદની જરૂર હોય અને તેઓને સમયસર મદદ ન મળે કે તેમને જો ફરિયાદ કરવી હોય તો તેવા સંજોગોમાં પોલીસ કે ઓથોરીટી વિરૂદ્ધની ફરિયાદ માટે એક હેલ્પલાઇન નંબર અને ફરિયાદ સેલ હોય તે પણ ખૂબ જરૂરી છે. જેમાં કોઇપણ નાગરિક કે વ્યકિત પોલીસ, ઉચ્ચ પોલીસ સત્તાવાળા કે ઓથોરીટી વિરૂદ્ધ ડર્યા વગર ફરિયાદ કરી શકે તેવી જોગવાઇ હોવી જોઇએ. આ સૂચનને પણ હાઇકોર્ટે ગંભીરતાથી લીધુ હતું અને હાઇકોર્ટ તરફથી હાજર થતા વકીલોને આગામી મુદતે આ સમગ્ર મામલે જરૃરી સૂચનો રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

કેસની વિગત જોઈએ તો, થોડા દિવસ પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી ખાનગી કેબમાં એક દંપતિ તેમના એક વર્ષના બાળક સાથે રાત્રે પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ઓગણજ ટોલટેક્સ પાસે સર્કલ પર ટ્રાફિક પોલીસે તેમની ગાડીને આંતરીને તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની ધમકી આપીને રૂ. 60 હજારનો તોડ કર્યો હતો. આ બાબકને લઈ હાઈકોર્ટે જાતે સંજ્ઞાન લઇ સુઓમોટો અરજી દાખલ કરી હતી.