Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • બ્રિજ શરૂ કરતાં પહેલા ચકાસણીને લઈ તંત્ર સામે સવાલો
  • હાટકેશ્વર બ્રિજ વાહન ચાલકો માટે મોતનો બ્રિજ
  • તંત્રની બેદરકારીના કારણે નાગરિકોના કરોડો રૂપિયાનો ધૂમાડો
  • હાટકેશ્વર બ્રિજ બન્યો ગુજરાતનો ઓપન બાર, જ્યાં જોવા મળે છે દારૂની કોથળીઓ સહિતના નશીલા પદાર્થો
  • તાત્કાલિક બ્રિજનું નવીનિકરણ કરવા સ્થાનિકોની માંગ

અમદાવાદમાં આવેલ હાટકેશ્વર બ્રિજ 5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું 5 જ વર્ષમાં 3 વખત સમારકામ કરવામાં આવ્યું અણે છેવટે ગત વર્ષ 2022માં આ બ્રિજની નબળી ગુણવતાને કારણે બંધ કરવાનો વારો આવ્યો. બ્રિજ બંધ થવાને કારણે હાલ આજુ બાજુના રહેવાસીઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે અને રાહદારીઓ પણ છેલ્લા કેટલાક સમયથી તંત્રના પાપે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બ્રિજ બંધ કર્યો તેને પણ એક વર્ષ થવા આવ્યું, પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તંત્ર આટલી જ બેદરકારીથી કામ કરશે તો ગુજરાતનો વિકાસ થાય કે ન થાય, પરંતુ રાજ્યનું દેવું તો વધશે જ, એ ચોક્કસ વાત છે.


હાટકેશ્વર બ્રિજની કામગીરી 'અજય ઇન્ફ્રા'ને અપાઈ હતી. અજય ઇન્ફ્રા આ પહેલા પણ અનેક વિવાદોમાં આવેલ છે, તો બીજી વખત પણ અજય ઇન્ફ્રાને જ કેમ આ બ્રિજની કામગીરી આપવામાં આવી? બ્રિજનું ટેન્ડર કોર્પોરેશન દ્વારા ફરી તેમને જ કેમ આપવામાં આવ્યું? અધિકારીઓને એવી તો શું લાલચ હશે કે અજય ઇન્ફ્રાને જ હાટકેશ્વર બ્રિજની કામગીરી સોંપવામાં આવી? બિચારા તંત્રની એવી શું મજબૂરી હશે? એ હાલ સમજાતું નથી. અત્યારે આ બ્રિજનું ટેન્ડર બહાર પાડી આ બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે.

ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાતના વિકાસ માટે અને રળિયામણું રાજ્ય બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ દુ:ખ એ વાતનું છે કે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ સારી કામગીરી કરવામાં આવતી નથી. આ કરોડો રૂપિયા ક્યાં જાય છે? સવાલ એ છે કે આવા બેદરકાર અધિકારીઓ સામે ક્યારે લોકો જાગૃત થશે અને અવાજ ઉઠાવશે? કોર્પોરેશન દ્વારા બ્રિજને લઈ કોઈ સચોટ માહિતી નથી આપવામાં આવી.

હાટકેશ્વર બ્રિજ પરથી રોજના હજારો-લાખો વાહન ચાલકો પસાર થતાં હતા, કેમ કે આ બ્રિજ CTM ચાર રસ્તા અને વડોદરા એક્સપ્રેસને જોડતો આ બ્રિજ હતો. તેમજ આ બ્રિજ પરથી અન્ય શહેરો તથા સૌરાષ્ટ્ર તરફ પણ સાનુકૂળ રીતે લોકો જય શકતા હતા, પરંતુ કોન્ટ્રાકટર અને તંત્રના પાપે હાલ લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

આ બ્રિજ માત્ર 5 જ વર્ષના ટૂંકાગાળામાં તૂટી ગયો ત્યારે હવે સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે શું આ બ્રિજ શરૂ કરતાં પહેલા તંત્ર દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવી હતી? અને કદાચને ચકાસણી કરવામાં આવી હોય તો આવી ખરાબ ક્વોલિટીના બ્રિજને શરૂ કરવાની પરવાનગી કેમ આપી? આ ભ્રષ્ટ સિસ્ટમ ક્યારે બદલાશે? કોણ આ સિસ્ટમને બદલશે? સિસ્ટમમાં રહેલા લાંચિયા અધિકારીઓ સામે ક્યારે એક્સન લેવાશે? તેવા સવાલો હાલ થઇ રહ્યા છે 5 વર્ષમાં 3 વખત બ્રિજના સમારકામ બાદ તો તંત્રને યાદ આવ્યું કે બ્રિજની ચકાસણી કરવી જોઈએ. નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયાના ધુમાડા પાદ તંત્રની ઊંઘ ઊડી કે કોઈ ઘટના ઘટે તે પહેલા આ બ્રિજને બંધ કરવો જોઈએ.


બ્રિજ બંધ કર્યાને પણ એક વર્ષ થવા આવ્યું પણ હજુ સુધી નથી તો બ્રિજનું કોઈ નવીનીકરણ કરવામાં આવ્યું, નથી બીજી કોઈ એક્સન લેવામાં આવી. બ્રિજ એટલી ખરાબ ગુણવતાનો બનાવવામાં આવ્યો છે કે બ્રિજ પણ ઊંડે સુધી મોટા મોટા ગાબડાં પડી ગયા છે, 2 લેયર સુધીના લોખંડના સળિયા બ્રિજ પર દેખાઈ રહ્યા છે. બ્રિજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, જ્યાં દારૂની કોથળીઓ સહિત નશીલા પદાર્થો પણ જોવા મળે છે, ત્યારે એ સવાલ થાય છે કે શું અમદાવાદ પોલીસને આનો કોઈ ખ્યાલ નહીં હોય? આવા અસામાજિક તત્વો સામે કોઈ એક્સન નહીં લેવામાં આવે? લોકોની સેફ્ટિનો વિચાર નહીં કરે? ગુજરાતમાં દારૂબંધી છે તો પણ આવા નશીલા પદાર્થો જોવા મળે છે અને ગુજરાતના યુવાનો ગેરમાર્ગે જઇ રહ્યા છે, તો શું તંત્ર યુવાનોને ગેરમાર્ગે જતાં રોકવા માટે કોઈ એક્સન લેશે?

ન્યુ ગુજરાતી ન્યુઝ (NGN)નો સરકારને સવાલ છે કે, ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે? અધિકારીઓ, નેતાઓ જે તેમના ખિસ્સા ભરવામાં બિઝી છે અથવા તો પોતાના કામ કઢાવીને પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે, તેમની સામે શું કોઈ એક્સન લેવાશે? આ સિસ્ટમને સુધારવા માટે સરકાર કોઈ પગલાં લેશે ખરા? ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ બ્રિજનું ક્યારે નવીનીકારણ કરશે અને ક્યારે રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. સ્થાનિકોની પણ ઉગ્ર માંગ છે કે આ બ્રિજનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે.

આ પણ વાંચો : ગુજરાતમાં કેમ વધી રહ્યું છે કિશોરોની આત્મહત્યાનું પ્રમાણ