Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરમાં એક બિલ્ડરે બીજા બિલ્ડર સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રહલાદ નગર રોડ પર ઓફિસ ધરાવતા રાકેશ શાહ નામનાં બિલ્ડરે અશોક ઠક્કરને દુબઈમાં ગોલ્ડ ટ્રેડિંગ કરતો હોવાનું તેમજ પોતે બિલ્ડર હોવાની ઓળખ આપીને કુલ 34.56 કરોડની છેતરપિંડી કરી છે. જેમાં સોલાના બિલ્ડર અશોક ઠક્કરની ગોતામાં આવેલા ચાર ફ્લેટ અને વાડજની ચાર ઓફિસો વેચાણથી અલગ અલગ નામે દસ્તાવેજ કરાવી રૂપિયા ન ચૂકવી તેમજ દુબઈના એક બેંક ખાતામાં 250 કરોડ હોવાની વાત કહી વિશ્વાસ કેળવ્યો હતો. 

અમદાવાદના સોલા સાયન્સ સીટી રોડ ખાતે આવેલા JBR કોમ્પલેક્ષમાં આર્ટ નિર્માણ ગેલેરી નામની ઓફીસ ધરાવતા બિલ્ડર અશોક ઠક્કર આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં મિલકતો વેચવાના બહાને રાકેશ શાહ એ તેમના તથા તેમના મિત્રો સાથે 34.56 કરોડની છેતરપિંડી કરી છે. આ મામલે બિલ્ડર અશોક ઠક્કરે NGN ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આરોપી રાકેશ શાહને માર્ચ 2021માં તેઓ મળ્યા હતા. આરોપી રાકેશ શાહ કે જેણે પ્રહલાદનગરમાં તેની ઓફિસ છે અને પોતે બુલિયન ટ્રેડર અને બિલ્ડર હોવાની ઓળખ આપી હતી. પોતે દુબઈમાં ગોલ્ડ ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. અને બિલ્ડર હોવાથી અશોક ઠક્કરને તેમની ઓફિસો અને ફ્લેટો વેચાણ કરી આપવામાં મદદ કરવાની વાત કરી હતી. 

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર  તેમજ NGN ન્યુઝ સાથે વાત કરતા અશોક ઠક્કરે 2021માં તેમની મુલાકાત રાકેશ શાહ સાથે બિલ્ડર હનુભાઈ સંઘાણી થકી થઈ હતી. રાકેશ શાહે પોતે દુબઈમાં ગોલ્ડ ટ્રેડિંગનો ધંધો કરવાની સાથે બિલ્ડર તરીકે વ્યવસાય કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં અવારનવાર મુલાકાત દરમિયાન રાકેશ શાહ અશોક ઠક્કરને વેચાણ કરવાના બાકી હોય તેવા ફ્લેટો, દુકાનો, જમીનો કે ઓફિસ બતાવવા જણાવ્યું હતું. તેથી અશોક ઠક્કરે ગોતામાં 12 ફ્લેટો, વાડજમાં 4 ઓફિસ બતાવી હતી. 


રાકેશ શાહને ઓફિસ અને ફ્લેટ પસંદ આવી અને સાથે જ તેનો દસ્તાવેજ કરવાની સાથે 18 મહિનામાં નાણા ચૂકવવાનો વાયદો કરી 10 ટકા રકમ શરૂઆતમાં આપી દેવાની ડીલ કરવાની શરતો સાથેનો સમજૂતી કરાર કર્યો હતો. અશોક ઠક્કરે 11.29 કરોડની મિલકતોના વેચાણ દસ્તાવેજ રાકેશ શાહના ઓળખીતાના નામે કર્યો હતો, બાદમાં 11.29 કરોડમાંથી 10.16 કરોડની અશોક ઠક્કરે ઉઘરાણી કરતા રાકેશ શાહે દુબઈમાં તેની કંપનીના બેંક એકાઉન્ટમાં 250 કરોડ જામ ફ્રિઝ થયેલા હોવાનું જણાવી તે એકાઉન્ટ અનફ્રિઝ થયા બાદ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો.

આ સાથે જ રાકેશ શાહે બેંકના લેટરપેડવાળો પ્રુફ ઓફ ફંડ્સનો લેટર બચાવી એકાઉન્ટમાં જમા પડેલા ફંડનો પુરાવો બતાવીને અશોક ઠક્કરને વિશ્વાસમાં લીધા હતા. અશોક ઠક્કરે તેમના દુબઈના મિત્ર વસંત શાહને રાકેશ શાહ સાથે મોકલ્યા હતા. ત્યારે રાકેશ શાહે એકાઉન્ટ અનફ્રિઝ કરાવવા 7 કરોડની જરૂર હોવાનું કહેતા અશોકભાઈ તેમના 11 કઢાવવા વસંત શાહ મારફતે 6.75 કરોડ રાકેશ શાહને ઉધાર આપ્યા હતા.

જો કે, રાકેશ શાહે 11 કરોડ તો ન આપ્યા વધુ સાત કરોડ રૂપિયા લઈને ઠગાઈ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે લેટર રાકેશ અશોક ઠક્કરને બતાવ્યો હતો તે પણ ખોટો હતો. રાકેશ શાહે અશોક ઠક્કરના મિત્ર જસપ્રીતસિંહ પાસેથી 17 કરોડની મિલકત લઈને નાણા આપ્યા ન હતા. જેથી અશોક શાહ સાથે 34.56 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાતા આનંદનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યા અનુસાર આ કેસમાં આરોપી રાકેશ શાહની પોલીસે ધરપકડ કરી છે. ગત જાન્યુઆરીમાં આરોપી રાકેશ શાહે 50 કરોડની વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ કેસના ફરિયાદી અશોક સહિતના લોકો સામે આક્ષેપ કરાયો હતો. અશોક ઠક્કરે જણાવ્યું કે, રાકેશ શાહે અમારી સાથે જ નહીં પરંતુ અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હોય તેવી શક્યતા છે. જો કે, આ પોલીસ તપાસનો વિષય છે.

આ પણ વાંચો: રાજસ્થાન હોસ્પિટલને અપાયેલી NOC સામે થયેલી RTI માં ફાયરનો ખુલાસો