Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામનો મામલો – એએમસીનો કોર્ટમાં જવાબ, તપાસ રિપોર્ટ તપાસનીશ અધિકારીને સોંપાયો

ખોખરા-હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી નબળુ બાંધકામ કરી નાગરિકોના જીવ સામે જોખમ ઉભુ કરવાના કેસમાં સેશન્સ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ એન્જીનીયર પાસેથી જરૂરી રિપોર્ટ માગેલો. જો કે, તે રજૂ નહી થતા કોર્ટે નારાજગી વ્યક્ત કરતા એએમસીના ચીફ એન્જીનીયરે તેનો જવાબ રજૂ કર્યો છે..

કોર્ટના કડક વલણ બાદ, એએમસીના ચીફ એન્જિનિયરે રિપોર્ટ રજૂ કરેલો કે આ કેસની ફરિયાદ સંદર્ભે વહીવટી રાહે જે પગલાં લેવાયા તેનો વિજિલન્સ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ એએમસી દ્વારા તપાસનીશ અધિકારીને 17-06-2023ના રોજ સુપરત કરી દેવાયો છે. ચાર્જશીટ પછી રિપોર્ટ તૈયાર કરવાની વાત છે તો તેમાં એએમસીએ કોઇ રિપોર્ટ તૈયાર કર્યો નથી કારણ કે, આ બાબત તપાસનીસ એજન્સીના કાર્યક્ષેત્રમાં આવે છે.  આ સમગ્ર બનાવ પાછળ કોણ જવાબદાર છે તે એએમસી દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં સ્પષ્ટ કરી દેવાયું છે. કોર્ટે આ જવાબને રેકોર્ડ પર લીધો છે.

મહત્વનુ છે કે, હાટકેશ્વર બ્રિજ કેસના આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન ભૂતકાળમાં કોર્ટે એએમસીના ચીફ એન્જીનીયરને ખોખરા  પોલીસમથકમાં આરોપીઓ વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદના કેસમાં  ફરિયાદ પહેલાં તૈયાર કરાયેલો રિપોર્ટ અને વહીવટી રાહે શું પગલાં લેવાયા તે અંગેનો રિપોર્ટ ફાઇલ કરવા હુકમ કર્યો હતો. કોર્ટે ફરિયાદ દાખલ થયા બાદ અને તપાસ બાદ જે કોઇ રિપોર્ટ તૈયાર કરાયો હોય તે અને આખરે કયા કારણસર આ બનાવ બન્યો અને આ માટે જવાબદાર કોણ છે તે મુદ્દે પણ રિપોર્ટ માગ્યો હતો,

આરોપી રસિક પટેલની જામીન અરજી પર સોમવાર સુધી ચુકાદો અનામત

બીજી તરફ, આ કેસના આરોપી રસિક અંબાલાલ પટેલની જામીન અરજીનો મુખ્ય સરકારી વકીલે વિરોધ કરતાં રજૂઆત કરી હતી કે, આરોપી વિરૂદ્ધ ગંભીર પ્રકારનો પ્રથમદર્શનીય ગુનો બને છે. ચાર્જશીટ બાદ પણ કેસના સંજોગોમાં કોઇ અસાધારણ બદલાવ થયો નથી. આ કેસમાં આરોપીની સીધી અને પ્રથમદર્શનીય સંડોવણી સ્પષ્ટ થાય છે ત્યારે ગુનાની ગંભીરતા જોતાં તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. આરોપીની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે અને કોર્ટે સોમવાર સુધી ચુકાદો મુલતવી રાખ્યો છે.

આ પણ વાંચો : દુષ્કર્મ કેસનો મામલે અદાલતે દોષિતને સાત વર્ષની કેદની સજા ફટકારી