Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

માવઠા અને લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે.

માવઠા બાદ મોંઘવારી પણ ખૂબ જ વધી ગઈ છે. માવઠા અને લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં સરેરાશ 30 થી 40 ટકાનો વધારો થયો છે.

બે દિવસ અગાઉ પડેલ કમોસમી વરસાદ અને લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. શાકભાજીના ભાવમાં સરેરાશ 30 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બે દિવસના કમોસમી વરસાદથી પહેલા ખેડૂતોનું અને હવે ગૃહિણીઓનું રસોઈનું બજેટ ખોરવાઇ ગયું છે.

 

કમોસમી વરસાદને કારણે વધ્યા ભાવ

ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાવાથી ભારે નુક્સાન થયું. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બની ગયો છે જેથી તુવેર, ગુવાર, ટામેટાના છોડ અને દૂધી, કાકડીના વેલાઓને ભારે નુક્સાન થયું. સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જોવા મળી છે. રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં જીવાત પકડવાની શક્યતાઓ વધારે રહેલી છે અને નાના છોડ અને વેલાઓ કોહવાઇ જાય તેવી શક્યતા પણ રહેલ છે. હોલસેલ માર્કેટમાં 30 રૂપિયાના ભાવે વેચાતા ટામેટા 40 સુધી તો 35 રૂપિયાના ભાવે વેચાતા રિંગણ, વટાણા, તુવેરના ભાવ વધી 45 સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં શાકભાજીના ભાવ શું છે તેના પર નજર કરવામાં આવે તો પાલક 80, આદુ 160, મેથી 100, ટામેટા 60થી 70, રીંગણ 80, ભીંડા 80, કોબીઝ 60, ગવાર 100, ફ્લાવર 60 રૂપિયે કિલો વેચાઇ છે.

 

સિંગતેલના ભાવમાં પણ થયો વધારો 

સિંગતેલના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. મગફળીનો પાક પણ અગાઉ તૈયાર થઈ ગયો છે અને અંદાજીત 40 લાખ ટન પાકનો અંદાજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 20 તારીખે સિંગતેલનો ભાવ 2635-2685ની નીચી સપાટી સુધી પહોંચી ગયો હતો. પરંતુ 26 તારીખ મહત્તમ ભાવ 2735 સુધી પહોચ્યો છે પરંતુ ગઈકાલે ભાવ 2735-2785નો રહ્યો હતો. જો કે કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર જોવા મળ્યા છે.

 

સોનાના ભાવમાં પણ થયો વધારો 

તહેવારો બાદ પણ સોનાના ભાવમાં વધારો યથાવત ચાલુ જ છે. અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 64 હજાર પર પહોચ્યો છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે અમદાવાદમાં ગોલ્ડના ભાવમાં 500 રૂપિયાનો વધારો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં છ મહિનાની ટોચ તથા સ્થાનિકમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે સોનાના ભાવમાં વધારો થયો. નવા વર્ષની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં ગોલ્ડના ભાવમાં એક હજાર 200નો વધારો જોવા મળ્યો.


આ પણ વાંચો : કમોસમી વરસાદ પછી જીરુંના ભાવમાં થયો ઉછાળો, બોટાદ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવ થયા