Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇસ્કોન બ્રીજ પર બેફામ રીતે જેગુઆર કાર હંકારી એક સાથે નવ લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલના હાઇપ્રોફાઇલ અકસ્માત કેસનો વિવાદ હજુ તાજો છે ત્યાં તો, શહેરમાં એક સાયકલ સવારને પોતાની બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી તેને જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવાના કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સંદીપસિંહ જી.ડોડિયાએ રાજયના સૌપ્રથમ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં આરોપી મોઇન એહમદ મોહમંદ ઇકબાલ કુરેશીને બે વર્ષની કેદ અને 3600 રૂપિયા દંડની સજા ફટકારી છે. એટલું જ નહી, કોર્ટે આરોપીનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા અને તેનું લાયસન્સ તાત્કાલિક અસરથી જપ્ત કરવા હુકમ કર્યો હતો.

સ્પેશ્યલ જજ ડોડિયાએ આ ચુકાદો અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક વિભાગને મોકલી આપવા ખાસ હુકમ કર્યો હતો. વાહન અકસ્માતમાં કોઇને ઇજા પહોંચાડવાના કેસમાં જેલની સજા અને લાયસન્સ સસ્પેન્ડનો આ પ્રથમ ચુકાદો છે.

કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, આરટીઓ સત્તાવાળાઓએ આરોપીનું લાયસન્સ જપ્ત કરી તેમની કચેરીની સલામત કસ્ટડીમાં રાખવું અને તેના લાયસન્સ સસ્પેન્શનની એક વર્ષની સમયમર્યાદા પૂર્ણ થાય તે પછી તેને લાયસન્સ પરત કરવું અને તે પણ આરોપી દ્વારા અરજી કરાય ત્યારબાદ જ તેને લાયસન્સ પરત કરવાનું રહેશે. 

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી અનવરહુસૈન એહમદહુસૈન નાગોરીએ ગત 17-2-2016ના રોજ ઇ ટ્રાફિક પોલીસમાં એફઆઇઆર નોંધાવી હતી કે, તેઓ તેમની સાયકલ પર જઇ રહ્યા હતા ત્યારે આરોપી મોઇન એહમદ મોહમંદ ઇકબાલ કુરેશીએ પોતાની મોટર સાયકલ બેફામ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સીધી જ ફરિયાદીને ટક્કર મારી હતી. જેના લીધે ફરિયાદીને ડાબા પગે અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી દ્વારા આરોપી મોઇન એહમદ મોહમંદ ઇકબાલ કુરેશી વિરૂધ્ધ આઇપીસીની કલમ-279, 337, 338 અને મોટર વ્હીકલ એકટની કલમ-177, 184 અને 134(B) હેઠળ ફરિયાદ નોંધાવાઇ હતી. 

આ કેસનો ટ્રાયલ ચાલી જતાં સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ કે.એસ.ચૌધરીએ મહત્ત્વની દલીલો કરી હતી કે, સમાજમાં અત્યારે આ પ્રકારના ટ્રાફિક નિયમોના ભંગ અને બેફામ ઝડપે વાહનો હંકારી ગંભીર અકસ્માતો સર્જવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આરોપી જેવા લોકોના ગુનાહિત કૃત્યના કારણે નિર્દોષ નાગરિકો ખાસ કરીને નાના બાળકો, સિનિયર સીટીઝન સહિતના નાગરિકો ગંભીર ઇજા કે મૃત્યુનો ભોગ બનતા હોય છે ત્યારે કોર્ટે આ ગુનાને સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહી અને આરોપીને સમાજમાં દાખલો બેસે તે પ્રકારની સજા ફટકારવી જોઇએ. 

મેટ્રો કોર્ટનો આ ચુકાદો બેફામ રીતે વાહન ચલાવતા લોકો માટે ચેતવણી સમાન

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કેટલાક વાહનચાલકો દ્વારા તેમની મોટરસાયકલ, થ્રી વ્હીલર કે ફોર વ્હીલર વાહનો બેફામ રીતે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને લોકોને ગંભીર ઇજા કે કોઇનું મૃત્યુ થાય તે પ્રકારે ચલાવતા હોય છે. વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસમાં વિસ્મયને પાંચ વર્ષની સજા થઇ છે, તે પછી તથ્ય પટેલનો ઇસ્કોન બ્રીજ અકસ્માત કેસ તાજો અને કમકમાટીભર્યો છે તેમછતાં આવા બેફામ વાહનચાલકો અકસ્માતના આ કિસ્સાઓમાંથી બોધપાઠ લઇને ટ્રાફિક નિયમનું પાલન કરવાનું કે તેમના વાહનો સીમિત ગતિમર્યાદામાં ચલાવવાનું ચૂકી જતા હોય અને છાશવારે અકસ્માતો સર્જતા હોય છે આવા વાહનચાલકો માટે મેટ્રોપોલીટન કોર્ટનો આ ચુકાદો લાલબત્તી સમાન બની રહેશે. 

વાહનચાલક તેનાથી થતા કૃત્ય (અકસ્માત) તેમ જ તેના પરિણામ માટે જવાબદાર ઠરે: કોર્ટ

એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સાક્ષીઓની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી બનાવ વખતે બેફામ રીતે પૂરપાટ ઝડપે (ફાસ્ટ સ્પીડમાં) બાઇક ચલાવતો હતો, જેથી આ કેસ રેશ કૃત્ય હેઠળ આવે છે કારણ કે, શહેરના માર્ગો પર ફાસ્ટ સ્પીડની જરૂરિયાત હોતી નથી. રેકર્ડ પરથી સ્પષ્ટ છે કે, આરોપીનું વાહન ફાસ્ટ સ્પીડમાં હોવાના કારણે તે રોકી શકયો ન હતો અને આરોપીએ તેની બાઇકથી ફરિયાદીને જોરદાર ટકકર મારી હતી, જેના કારણે ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થયો હતો. રોડ પર વાહન ચલાવતો કોઇપણ વ્યકિત તેનાથી થતાં કૃત્ય તેમ જ તેના પરિણામ માટે જવાબદાર ઠરે છે. ગફલતભર્યુ કૃત્ય એટલે અન્ય લોકોના જીવનની સલામતી અને યોગ્ય કાળજી લેવામાં નિષ્ફળતા. આમ, પ્રસ્તુત કેસમાં આરોપીની બેદરકારી અને ગફલતભર્યુ કૃત્ય પુરવાર થાય છે.