Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરાના સર્વાંગી વિકાસ માટે વિધાનસભાના દંડકે તજજ્ઞોની ટીમોની અલગ અલગ બેઠકો બોલાવી પ્રાથમિક કક્ષાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં વિશ્વામિત્રી નદી, ભૂખી કાંસનું ડાયવર્ઝન, હેરીટેઝ વડોદરા, 75 મીટરનો રીંગ રોડ વગેરે પ્રોજેક્ટ પાછળ કુલ 900 કરોડનો ખર્ચ થશે તેવો પ્રાથમિક અંદાજ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં વડોદરા શહેર અન્ય શહેરોની સરખામણીમાં ખૂબ જ પાછળ રહી ગયું છે ત્યારે તાજેતરમાં વિધાનસભાના દંડક બાળુ શુકલે ટીમ વડોદરા અંતર્ગત વિવિધ વિભાગના તજજ્ઞો અધિકારીઓ સાથે પરિસંવાદ યોજીને પ્રાથમિક રીતે કયા પ્રોજેક્ટ વડોદરા શહેરની પ્રજાની હીતમાં થઈ શકે તે અંગે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.

આ પ્લાનના ડીપીઆર તૈયાર કરવા અંગે આજે કોર્પોરેશનના કમિશનર દિલિપ રાણા અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિધાનસભાના દંડકે બેઠક પણ યોજી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળેલી બેઠકમાં આવનાર વર્ષોમાં વડોદરાની વસ્તી અને વ્યાપ વધવાનો છે તેને ધ્યાનમાં રાખી ટ્રાફિકની સરળતાથી માંડી દર વર્ષે વિશ્વામિત્રીમાં પુરની પરિસ્થિતિ સર્જાય છે. તે ખાળવા અંગે વિચારણા થઈ હતી. તે ઉપરાંત હેરીટેઝ વોક 75 મીટરનો રીંગ રોડ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી અને ખર્ચનો અંદાજ નક્કી કર્યો હતો.

હેરિટેજ વોક-મ્યુઝિયમ પાછળ કુલ 20 કરોડનો ખર્ચ

વડોદરા હેરિટેજ વોક અંતર્ગત ન્યાયમંદિર અને લાલકોર્ટની જુની ઈમારત ખાતે સીટી મ્યુઝિયમ બનાવવા કુલ 20 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. બંને ઈમારતમાં વડોદરાના ઈતિહાસ સહિત પૌરાણિક વડોદરાની તસવીરો તેમજ વિસ્તારોના નામો કઈ રીતે પ્રચલિત થયા તેની જાણકારી અપાશે.

આ પણ વાંચો:પાવાગઢના ડુંગરો નજીક સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ખાતે'ચાંપાનેર ફેસ્ટિવલ યોજાશે


નર્મદા કેનાલ આસપાસ બ્લ્યૂ/ગ્રીન ડેવલપમેન્ટ

સેવાસી ભાયલી નર્મદા કેનાલની આજુબાજુ બ્લ્યૂ ગ્રીન ડેવલપમેન્ટનું આયોજન કર્યું છે. જેમાં વૃક્ષોની વનરાજી કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે અને ફરવાલાયક સ્થળ બને તે માટે કુલ 40 કરોડનો ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ફલડ મિટિગેશન પ્રોગ્રામ અંતર્ગત વિશ્વામિત્રી ભૂખી કાંસના ડાયવર્ઝન પાછળ કુલ 370 કરોડ ખર્ચ

વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે તેને ખાળવા ફ્લડ મિટિગેશન પ્રોગ્રામ તૈયાર કરવા મુખ્ય બે પ્રોજેક્ટ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. વિશ્વામિત્રી નદીના ડાયવર્ઝનમાં આજવાથી સૂર્ય નદી થઈ જામ્બુવા પાસે ઢાઢ૨ નદીમાં વિશ્વામિત્રી નદીનું પાણી ઠલવાઈ જાય તેવા આયોજન અંગે ચર્ચાવિચારણા થઈ હતી તેમાં અંદાજે 7 કિલોમીટર વિસ્તારનો સમાવેશ થાય છે. તેની પાછળ અંદાજે 300 કરોડનો ખર્ચ થશે. તે ઉપરાંત ભૂખી કાંસમાં હાઈવે પરનું પાણી ચોમાસામાં ઠલવાય છે તેને ધ્યાનમાં રાખી ભૂખી કાંસનુ ડાયવર્ઝન મીની નદીમાં કરવા અંગે વિચારણા થઈ હતી. જેની પાછળ કુલ 70 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

75 મીટર રીંગરોડ બનાવવા પાછળ અંદાજે રૂ.500 કરોડનો ખર્ચ

વડોદરા શહેર ફરતો 75 મીટરનો રીંગ રોડ બનાવવામાં આવશે જેમાં વેસ્ટર્ન કોરીડોરમાં દશરથ, છાણી, ભાયલી, અટલાદરા થઈ જામ્બુવા 14 થી 15 કિલોમીટરમાં રીંગરોડ બનાવવા અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં રીંગ રોડ બનાવવાની વિચારણા થઈ હતી. તેની પાછળ કુલ 500 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.