Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: સરકારી સ્કૂલમાં ફરજ બજાવતાં એક વિદ્યાસહાયક (Assistant Teacher)ના અકસ્માત મૃત્યુના કેસમાં મહેસાણાની મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રિબ્યુનલે તેના આશ્રિતોને રૂ. 9,88,000ના વળતર અંગેના એવોર્ડમાં ગુજરાત હાઇકોર્ટે બહુ નોંધપાત્ર વધારો કર્યો છે. હાઈકોર્ટ મૃતકના આશ્રિતોને રૂ. 90,63,156ની રકમ 7.5 ટકાના વ્યાજ સાથે પંદર સપ્તાહમાં ચૂકવી આપવા ઇફ્કો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ વીમા કંપનીને હુકમ કર્યો હતો. મૃતક શિક્ષક નોકરીમાં ચાલુ રહ્યા હોત તો તેમનો ભવિષ્યનો પગાર, સાતમા પગાર પંચનો લાભ સહિતના મળવાપાત્ર આવક સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લઇ હાઈકોર્ટે મોટર વાહન અકસ્માતના કેસમાં આ ચુકાદો આપ્યો હતો.

હાઈકોર્ટનુ અવલોકન છે કે, મૃતક મંજૂર જગ્યા પર વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા હતા. મરનારની નોકરી સંદર્ભે પરિપત્રો અને રેકોર્ડ જોતાં અદાલતનો એ અભિપ્રાય છે કે, જો મૃતક નોકરીમાં ચાલુ રહ્યા હોત તો તેઓ નોકરીમાં કાયમી થયો હોત અને તેમને સાતમા પગાર પંચનો પણ લાભ મળ્યો હોત. શાળાના પ્રિન્સીપાલના દસ્તાવેજી પુરાવા પરથી પણ સ્પષ્ટ થાય છે કે,  વર્ષ ૨૦૧૭ની સ્થિતિએ મૃતકને રૂ. ૪૫,૮૫૯ જેટલો પગાર મળતો હોત. અકસ્માત સમયે મૃતકની ઉમંર માત્ર ૨૬ વર્ષની હતી અને તેઓ ફિક્સ પગારદાર હતા, તેથી ભવિષ્યમાં તેમની કાયમી નોકરીના મુદ્દાને ધ્યાનમાં લેતાં તેમની આવકમાં ૫૦ ટકા સૂચિત વધારો વિચારણામાં લેવો પડે. આ કેસમાં મરનારના આશ્રિતોમાં તેની વિધવા પત્ની, એક નાનું બાળક અને માતા-પિતા છે. હાઇકોર્ટે તમામ પાસાઓ ધ્યાનમાં લઇ ટ્રિબ્યુનલે રૂ. 9,88,000નો જે એવોર્ડ આપેલો છે, તેમાં નોંધપાત્ર વધારો કરી રૂ. 90,63,156ની રકમ 7.5 ટકાના વ્યાજ સાથે પંદર સપ્તાહમાં ચૂકવી આપવા ઇફ્કો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ વીમા કંપનીને હુકમ કર્યો હતો.

સુનાવણી દરમિયાન, મૃતક શિક્ષકના પરિવારજનોની રજૂઆત હતી કે, 10-03-2006ના રોજ ખોડા ખાતેની વિનય  વિદ્યાલય મંદિર સેકન્ડરી સ્કૂલના આસિસ્ટન્ટ ટીચર પોતાની મોટરસાયકલ પર ગુંજા ગામેથી નોકરી પર જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટઝડપે અને બેફામ રીતે આવતી એક જીપના ડ્રાઇવરે તેનું વાહન હંકારી આસીસ્ટન્ટ ટીચરને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે મોટર સાયકલ એક ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી અને હોસ્પિટલ  લઈ જતા પહેલા જ તેનુ મોત થયેલુ.