Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગાંજાનો છોડનું વાવેતર મળી આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને NSUI એ કુલપતિ સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના D બ્લોક ખાતે 5.5 અને 6.5 ફૂટના ગાંજાનાં છોડ મળી આવ્યા હતા. જે મામલે તમામ વિદ્યાર્થીઓમાં આક્રોશ છે. અગાઉ ઉત્તરવહી કૌભાંડ પણ સામે આવ્યું હતું. જેની તપાસ હાલ ચાલી રહી છે. ત્યાં વધુ એક ગાંજાના છોડનું વાવેતર મળી આવતા ABVP તથા NSUI ના વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.

ABVP NGN ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીનું કેન્દ્રનું સ્થાન રહ્યું છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં 5.5 અને 6.5 ફૂટના ગાંજાનાં છોડ મળી આવવાએ અત્યંત શરમજનક બાબત છે. તેમજ ABVPએ વાઇસ ચાન્સલર સમક્ષ માંગણી કરતા કહ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં યુનિવર્સિટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રહેતા સામાજિક તત્વોને દૂર કરી તેમના પર અનઅધીકૃત પ્રવેશ બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવે, ઉપરાંત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને ખુલાસાજનક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, યુનિવર્સિટીમાં CCTV ના કેમેરા વડે મોનિટરિંગ કરી કેમ્પસનું વાતાવરણ ડહોળતા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જો વિદ્યાર્થીહિતમાં ઉપરની બાબતે પગલાં લેવામાં નહીં આવે તો ABVP દ્વારા વ્યાપક આંદોલન કરવામાં આવશે તેની સમગ્ર જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે.

તેમજ આ મામલે NSUIએ પણ NGN ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડમાંથી હજુ બહાર આવી નથી ત્યાં ગુજરાત યુનિવર્સિટીના બોયસ હોસ્ટેલના D બ્લોકની બહાર ગાંજાનો છોડનું વાવેતર અમો દ્વારા પકડવામાં આવ્યું છે તે અતિ શરમજનક બાબત કહેવાય, ગાંધીનાં ગુજરાતમાં શરમ વગરની ભાજપ સરકારમાં ગુજરાત રાજ્યમાં વારંવાર ગાંજો પકડાય છે તેમ છતાં સરકાર નિષ્ક્રિય રહી જોયા કરે છે. શિક્ષણના ધામમાં પણ ગાંજાની ખેતી કરવી એ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો માટે ધૃણાસ્પદ કહેવાય. તેમજ તેઓએ કુલપતિ સમક્ષ વિરોધ કરીને માંગણી કરી હતી કે ગાંજાકાંડની તપાસ નિષ્પક્ષ કરવામાં આવે અને તેમાં જે પણ દોશી હોય તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, ગુજરાત યુનિવર્સિટીના વોર્ડનની આ વાત જાણ બહાર હોય તે વાત ગળે ઉતરતી નથી, તેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ આ બાબતનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપુર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે.

આ મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા કહ્યું હતું આ મામલાની  સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવશે. અને જે પણ દોષી હશે તેમના પર યુનિવર્સિટી તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અને શિક્ષણના ધામમાં આવી પ્રવૃત્તિઓ કોઈપણ કાળે ચલાવી લેવા અમે તૈયાર નથી.

આ પણ વાંચો : અમદાવાદનાં બરોડા એક્સપ્રેસ હાઈવે પર લુખ્ખા તત્વોનો ત્રાસ