Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વૈશ્વિક ધોરણે વિવિધ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. કોરોનાકાળથી આ સ્થિતિમાં મોટાપાયે વિઘ્નો શરૂ થયા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક દેવામાં સખત વધારો થયો છે. વર્ષ 2023ના અંત સુધીમાં વૈશ્વિક દેવું 97 ટ્રિલિયન ડોલર પહોંચવાનો અંદાજ માંડવામાં આવ્યો છે. જાણકારોના મત મુજબ 2019થી વૈશ્વિક દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. જો આ વધારાને જોડવામાં આવે તો કોરોનાકાળથી 2023 સુધીમાં વૈશ્વિક દેવામાં 40% વધારો નોંધાયો છે. જાણકારોના મત મુજબ કોરોના પેન્ડેમિક પહેલાં પણ આ સપાટી ઉંચી જ હતી અને હવે તેમાં ફરી વધારો થયો છે. વર્ષ 2019ની સરખામણીમાં વૈશ્વિક દેવામાં 9%નો વધારો થયો છે. એકંદરે વૈશ્વિક દેવું ગ્લોબલ જીડીપીની સરખામણીએ 238% આવી પહોંચ્યું છે. તમામ મોટા દેશોના પોલિસી મેકર્સ દ્વારા આ દિશામાં ઝડપી અને મોટા પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ચીનની તમામ ચાલ અવળી પડી રહી છે, દેવું વધી રહ્યું છે

ચીનની ઉપર આ વર્ષે 14,691 અબજ ડોલરનું દેવું થઈ ગયું છે. જાણકારોના મતે વિદ્ધમાં ભલે ચીન દ્વારા મહાસત્તા બનવાના ત્રાગા કરવામાં આવે કે પછી અમેરિકા સામે બાંયો ચડાવવામાં આવે પણ તેની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. સ્થાનિક સ્તરે તેમાં ઘણી મુશ્કેલીઓ સર્જાયેલી છે. 1978થી ચીનનો સરેરાશ જીડીપી 9% રહેતો હતો. છેલ્લાં કેટલાક વર્ષોમાં તેના વળતા પાણી આવ્યા છે. ખાસ કરીને કોરોનાકાળ પછી તેને આર્થિક મોરચે મોટો ફટકો પડયો છે. આ વર્ષની જ વાત કરીએ તો ક્વાર્ટર ટુ ક્વાર્ટર સરેરાશમાં તેમાં 0.8% નો ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે તેનો જીડીપી 7.3%ના અંદાજ સામે 6.3% જ રહ્યો છે. આ વર્ષે ચીન દ્વારા જે દેવું કરવામાં આવ્યું છે તે વૈશ્વિક દેવાના 14% જેટલું થાય છે. તેણે પોતાની જીડીપીની સરખામણીએ 83% જેટલું દેવું કરી નાખ્યું છે. ચીનના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ એક્ટિવિટીમાં પણ ધોવાણ થઈ રહ્યું છે. તે સિવાય ઘણા મોરચે વિદેશી રોકાણ ભારત દ્વારા ખેંચી લેવાયું છે જેને પગલે ચીનના અર્થતંત્રને માઠી અસર થઈ છે. તેના રિયલ્ટી અને કન્ઝ્યુમર ડિમાન્ડ સેક્ટરમાં પણ મંદીના ઓછાયા ફરી વળ્યા છે.

જાપાન દ્વારા છેલ્લાં બે દાયકાનું સૌથી મોટું દેવું કરાયું

દેવું કરવાની બાબતમાં અમેરિકા અને ચીન પછી જાપાન ત્રીજા ક્રમે આવે છે. વૈશ્વિક સ્તરે જાપાન દ્વારા 10,797 અબજ ડોલરનું દેવું કરવામાં આવ્યું છે. વૈશ્વિક દેવામાં તેનો 11.1% નો ફાળો છે. આ દેવું ખૂબ મોટું છે. જાપાનમાં હવે યુવાનોની સંખ્યા ઘટી રહી છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે આ દેવું તેના માટે જોખમી બની શકે છે. જાપાન દ્વારા જીડીપીની સરખામણીએ 255% દેવું કરવામાં આવ્યું છે. આ મુદ્દે તે વિદ્ધમાં ટોચના ક્રમે છે. મહત્ત્વની વાત એવી છે કે છેલ્લાં બે દાયકાના જાપાનના દેવાની વાત કરીએ તો તેણે આ વર્ષે 20 વર્ષના જીડીપી અને દેવાની તુલનાએ 100% વધારે દેવું કરી નાખ્યુ છે. જાપાનમાં વધી રહેલી વૃદ્ધોની વસતી પાછળ થતો ખર્ચ અને ડિફેન્સ તથા સિક્યોરિટી એક્સપેન્સના કારણે તેના દેવામાં વધારો થઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પબ્લિક ડેટમાં તો વધારો જ જોવાયો છે

અભ્યાસકર્તાઓના મતે 2020 પછી છેલ્લાં ત્રણ વર્ષમાં આર્થિક મોરચે થોડા સુધારાના અને વિકાસના સંકેતો જોવા મળ્યા છે છતાં સ્થિતિ જોઈએ એવી સુધરી નથી. ખાસ કરીને ફુગાવો હજી પણ વધારે છે અને તે પગલે પબ્લિક ડેટ પણ ઉંચું જ જોવા મળ્યું છે. રાજકોષિય ખાધ વધવાને પગલે પબ્લિક ટેટના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મોટાભાગના દેશો દ્વારા કોરોનાકાળમાં જાહેર કરવામાં આવેલી વિવિધ સહાયક યોજનાઓ અને આર્થિક સહાય બંધ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત તેમના દ્વારા આર્થિક વિકાસને બળ આપવા માટે ઘણા પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોના વધતા ભાવ અને ઊર્જા તથા ઈંધણોના ભડકે બળતા ભાવને કાબુ કરીને આર્થિક વિકાસ સ્થિર રાખવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પગલાં લેવાથી પબ્લિક ડેટ ગ્લોબલ જીડીપીની સરખામણીએ 8% તો રહ્યું છે. સરેરાશ જોવા જઈએ તો પેન્ડેમિક સમયની સરખામણીએ અડધું તો છે. પ્રાઈવેટ ડેટ કે જેમાં હાઉસહોલ્ડ અને નોન ફાઈનાન્સિયલ કોર્પોરેટ ડેટનો સમાવેશ કરવામાં આવે છે તેમાં ઘટાડો થયો છે. તે જીડીપીની સરખામણીએ 12% રહ્યું છે. આ ઘટાડો પણ કોરોનાકાળની અસરોને નાબુદ કરી શકે તે સ્તરે થયો નથી.

આફ્રિકામાં પબ્લિક ડેટ 40% ની સરેરાશે પહોંચ્યું

વિવિધ ક્ષેત્રોના દેવાની વાત કરવામાં આવે ત્યારે આફ્રિકાની સ્થિતિ પણ ખરાબ જ જોવાઈ રહી છે. આફ્રિકામાં દેવાનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. તેનું એક કારણ એવું પણ છે કે અહીંયા પબ્લિક ડેટમાં 40% નો સરેરાશ વધારો થઈ રહ્યો છે. આ વધારો વિદેશી હુંડિયામણના સ્વરૃપે થઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં વિદેશી હુંડિયામણનું દેવું આફ્રિકાના માથે જોખમ સર્જી રહ્યું છે. આ ક્ષેત્રમાં વ્યાજના દરો પણ ઉંચા છે જેના પગલે ડેટ સર્વિસિંગ કોસ્ટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે યુરોપ ક્ષેત્રના દેશો દ્વારા પણ 20,123 અબજ ડોલરનું દેવું કરવામાં આવ્યું છે. જે યુરોપની કુલ જીડીપીના 77% જેટલું દેવું થાય છે. જ્યારે વિદ્ધના બાકીના દેશો દ્વારા કુલ 1,269 અબજ ડોલરનું દેવું કરવામાં આવ્યું છે જે તેમની કુલ જીડીપીના 31.4% જેટલું થાય છે. તે ઉપરાંત ઈએમએફના મતે 2028 સુધીમાં ગ્લોબલ પબ્લિક ડેટનું સ્તર 100% પહોંચી જશે જે માત્ર કોરોનાકાળમાં જોવા મળ્યું હતું. તેના પગલે આગામી સમયમાં મોટા આર્થિક પડકારો આવી શકે છે.

અમેરિકાએ દુનિયાના કુલ દેવાનું ત્રીજા ભાગનું દેવું કર્યું છે

અમેરિકા દ્વારા સૌથી વધારે દેવું કરવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા આ વર્ષે 33,228 અબજ ડોલરનું દેવું કરવામાં આવ્યું છે. વૈશ્વિક દેવાની સરખામણીએ અમેરિકાનું દેવું 34.2% છે. જાણકારોએ ટકોર કરી છે કે અમેરિકા દ્વારા દુનિયાના કુલ દેવાનું ત્રીજા ભાગનું દેવું કરવામાં આવ્યું છે. અમેરિકાએ તેની જીડીપીની સરખામણીમાં 123.3% દેવું કરી નાખ્યું છે. સંશોધકોના મતે આ દેવાના કારણે ગવર્મેન્ટ સ્પેન્ડિંગમાં 20% નો વધારો જોવા મળવાનો છે. તેના પગલે આ આંકડો 2028 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરને પાર કરી જશે જે તેના કુલ ડિફેન્સ ખર્ચ કરતા વધી જશે. માત્ર 2001નું વર્ષ એવું હતું જેમાં તેના ડેટમાં માત્ર 2% નો જ વધારો થયો હતો. કોરોનાકાળમાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યા અને બીજા જે ખર્ચ થયા તેના કારણે તેના ડેટમાં 2020માં 19%નો ઉછાળો જોવા મળ્યો હતો. તેના એક દાયકા પહેલાં 2009માં પણ તેના ડેટમાં 19% નો વધારો નોંધાયો હતો.

ઉત્તર અમેરિકા ક્ષેત્ર ઉપર સૌથી વધારે દેવું

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા વિદ્ધના 186 દેશોના દેવા ઉપર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં વિવિધ ક્ષેત્રો પ્રમાણે પણ દેવાની જાહેરાત કરાઈ છે. તેમાં જણાવાયું છે કે દુનિયાના અન્ય ક્ષેત્રોની સરખામણીએ ઉત્તર અમેરિકાનું દેવું અને ડેટ ટુ જીડીપી બંને સૌથી વધારે છે. તેનું એક કારણ એવું પણ છે કે વિદ્ધના સૌથી વધુ દેવું કરનારા ટોપ-10 દેશોમાં અમેરિકા મોખરે અને કેનેડા 10મા ક્રમે છે. આ બંનેના સંયુક્ત દેવાને પગલે આ આંકડો મોટો થઈ રહ્યો છે. તેમણે જીડીપીની સરખામણીએ 117% જેટલું દેવું કરેલું છે. આ ક્ષેત્ર દ્વારા 36,451 અબજ ડોલરનું દેવું કરવામાં આવ્યું છે. એશિયા અને પેસિફિક ક્ષેત્રની વાત કરીએ તો ઉત્તર અમેરિકા પછી તેનો જ ક્રમ આવે છે. બંને વચ્ચે બહુ મોટું અંતર નથી. તે ઉપરાંત ગ્લોબલ ડેટના 3.3% દેવા સાથે સાઉથ અમેરિકા ક્ષેત્રનું દેવું 3164 અબજ ડોલર પહોંચ્યું છે. આ ક્ષેત્રમાં સરકારો સુધારાના પ્રયાસ કરી રહી છે છતાં આ ક્ષેત્રના દેશોમાં પબ્લિક ડેટમાં મોટો વધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ચીનની અયોગ્ય નીતિઓને પગેલ વૈશ્વિક દેવું વધ્યું

જાણકારોના મતે વૈશ્વિક સ્તરે દેવું વધવાના કારણો તપાસમાં આવે તો તેમાં ચીન મોટો ભાગ ભજવી રહ્યું છે. ચીન દ્વારા પોતાના આર્થિક વિકાસને મોટા ફલક ઉપર રજૂ કરવામાં આવ્યો પણ કોરોનાકાળ અને ત્યારપછી કોઈ મોટા સુધારા કરી શકાયા નહીં તેના કારણે તેના દેવામાં વધારો થયો અને તેણે જે દેશોને દેવા આપ્યા હતા તેમના દેવામાં પણ બીજો વધારો થયો. સરેરાશ જોવા જઈએ તો ચીનના દેવામાં અમેરિકાની સરખામણીએ થોડો ઘણો જ વધારો થયો છે. દેવું કરવામાં અમેરિકા અને ચીન એકબીજાની સમાંતર જ ચાલી રહ્યા છે. ડોલરમાં ગણતરી કરીએ તો ચીન દ્વારા 47.5 ટ્રિલિયન ડોલરનું દેવું કરવામાં આવ્યું છે. તેની સામે અમેરિકા દ્વારા 70 ટ્રિલિયન ડોલરનું દેવું કરાયું છે. નોન ફાઈનાન્સિયલ કોર્પોરેટ ડેટની વાત કરીએ તો ચીનનો ફાળો તેમાં 28% છે જે વિદ્ધમાં સૌથી વધારે છે.

ગ્લોબલ ડેટ ટુ જીડીપીમાં છેલ્લાં એક દાયકામાં સતત વધારો

સંશોધકોના મતે કોરોનાકાળની ગ્લોબલ ડેટ ઉપર અસર પડી છે તે વાત સાચી પણ તે પહેલાંનું ચિત્ર પણ કંઈક આવું જ હતું. પેન્ડેમિકને લીધે થોડી અસર વધારે થઈ છે પણ તે પહેલાંના દાયકાના આંકડા પણ નેગેટિવ જ જોવા મળ્યા છે. ગ્લોબલ ડેટ ટુ જીડીપી ઉપર નજર કરીએ તો તે છેલ્લાં એક દાયકામાં સતત વધતું જ જોવા મળ્યું છે. 1979ના મધ્યભાગથી અત્યાર સુધીની ગણતરી કરીએ તો તેમાં ત્રણ ગણો એટલે કે 92%નો વધારો થયો છે. આ આંકડો અંદાજે 91 ટ્રિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ પ્રાઈવેટ ડેટની વાત કરીએ તો તેમાં પણ ત્રણ ગણો ઉછાળો થયો છે. 1960થી 2022 સુધીના લાંબા સમયગાળા ઉપર નજર કરીએ તો તેમાં પ્રાઈવેટ ડેટ 146% એટલે કે અંદાજે 144 ટ્રિલિયન ડોલર જેટલું વધ્યું છે. વિકાસશિલ દેશોના દેવામાં છેલ્લાં બે દાયકામાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે આ દેશોના પ્રાઈવેટ ડેટ ઉપર નજર કરીએ તો આ દેવા વિકસિત દેશોની સરખામણીએ ઓછા જોવા મળ્યા છે. આ દેશો સામે આર્થિક મુશ્કેલીઓ અને પડકારો વધારે હોવા છતાં વિકસિત દેશો કરતા તેમના પ્રાઈવેટ ડેટ ઓછા છે. વર્તમાન સમયમાં અડધાથી વધારે વિકાસશિલ દેશો દેવા તળે દબાઈ જવાના સ્તરે પહોંચી ગયા છે.

દેવાના પગલે 2020થી લેબેનોન ડિફોલ્ટ છે

અભ્યાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે આ યાદીમાં ઘણા નાના દેશો એવા છે જેમનું દેવું ઘણું વધારે છે. તેના કારણે તેમને ડિફોલ્ટર થવાનો વારો આવ્યો છે. તેમાં જોવા જઈએ તો હાલમાં લેબેનોન અને ઘાનાનું નામ મોખરે આવે છે. લેબેનોન દેવું વધી જવાના કારણે 2020થી ડિફોલ્ટ થયો છે. તે ઉપરાંત ઘાના પણ ડિફોલ્ટર દેશ છે. તેના ઉપર વૈશ્વિક એજન્સીઓના દેવા ઉપરાંત વિદેશોના દેવા પણ વધારે છે. તેણે મોટાપાયે ચૂકણવી કરવાની બાકી છે. તેના કારણે ગત વર્ષથી તો ઘાના આર્થિક સંકટમાં આવી ગયું છે. બીજી તરફ ઈજિપ્તના દેવામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. તેનું એક કારણ એવું પણ છે કે તે જે કમાય છે તેમાંથી 40% રકમ તો દેવાની ચૂકવણીમાં જ આપી દેવી પડે છે. તેના પગલે ઈજિપ્ત પોતાના ખંડમાં સૌથી મોટું દેવાદાર બની ગયું છે.