Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવાના હુકમ સામે લાંગાએ અરજી કરેલી

ખેતીલાયક જમીનને બિનખેતીમાં ફેરવવાના કરોડોના કૌભાંડનો મામલો

હાઈકોર્ટના કડક વલણ બાદ એસ. કે. લાંગાએ અરજી પરત ખેંચી

તેમની સામેના આરોપ ખોટા - અરજદાર

મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડના કરોડો રૃપિયાના ભ્રષ્ટાચાર કેસમાં ગાંધીનગર કોર્ટે આરોપી પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે, જેની સામે લાંગાએ કરેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવવાનુ વલણ દાખવતા અરજદાર એસ. કે. લાંગાએ તેની અરજી પરત ખેંચી છે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, નીચલી કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ ખોટો અને ભૂલભરેલો છે. સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત છે અને તેમાં રિમાન્ડની કોઇ જરૂરિયાત રહેતી નથી. તેમની સામે આક્ષેપ છે કે તેઓ જ્યારે ગાંધીનગર જિલ્લાના કલેક્ટર હતા ત્યારે તેમણે તેની સત્તાનો દૂરપયોગ કરીને ખેતીલાયક જમીનને બિનખેતીમાં ફેરવવા માટેના હુકમો કરેલા છે. જેના લીધે, સરકારની તિજોરીને કરોડો રૂપિયાનુ નુકસાન થયેલુ. તેમની સામે એ પણ આક્ષેપ છે કે, તેમની પાસે આવક કરતા વધુ મિલકતો છે, જે આરોપ ખોટા છે. પોલીસે ક્યારેય તેમને તપાસ માટે બોલાવ્યા જ નથી. આ કેસમાં તપાસ સંસ્થાએ વચગાળાનો રિપોર્ટ આપ્યો છે, તેના આધારે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકારની ફરિયાદમાં રિમાન્ડની કોઈ જરૂરત જ હોતી નથી, જેથી ગાંધીનગર કોર્ટે મંજૂર કરેલા રિમાન્ડના હુકમને રદ કરો.

કેસની વિગત જોઈએ તો, એસ. કે. લાંગા પર આરોપ છે કે, ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન, તેણે પોતાની સત્તાનો દૂરપયોગ કરીને મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડ સહિતના એનએના વિવાદીત હુકમો કર્યા હતા. આ કેસમાં એસ.કે.લાંગા વિરૃધ્ધ ગાંધીનગર સેકટર-૭ પોલીસમથકમાં એફઆઇઆર દાખલ કરાયેલી. આ કેસમાં બે મહિના બાદ આખરે પોલીસે એસ. કે. લાંગાની આબુથી ધરપકડ કરી હતી અને તેમને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરેલ. જેમાં કોર્ટે આરોપી પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલા. લાંગા દ્વારા એનએ સહિતના કરાયેલા વિવાદીત હુકમો અને સત્તા બહારના નિર્ણયના લીધે રાજય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયેલુ.

આ પણ વાંચો : હાઈકોર્ટના જસ્ટિસ વી. એમ. પંચોલીની પટણા હાઈકોર્ટના જસ્ટિસ તરીકે બદલી