Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરાના ઇજનેર ખેડૂતે કરી કમાલ, વાડીમાં વાવ્યા લાલ કેળા. પ્રથમ વર્ષે ત્રણ ટન ઉત્પાદનનો અંદાજ છે. જેમાં વડોદરાના પ્રાકૃતિક લાલ કેળા દિલ્હી, મુંબઈ ઉપરાંત દુબઈના નાગરિકો આરોગશે. લાલ કેળા આવશ્યક પોષક તત્વો અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોવાને કારણે ખૂબ માંગ છે. ગુજરાતમાં કદાચ લાલ કેળાની પ્રાકૃતિક ખેતી કરનાર રાકેશ પટેલ એકમાત્ર ખેડૂત છે.

કેળાની માગ દિલ્હી, મુંબઈ સહિત દુબઈમાં વધી રહી છે

વ્યવસાયે ખાનગી કંપનીમાં ઈજનેર એવા કરજણ તાલુકાના વેમાર ગામના ખેડૂત રાકેશ પટેલે લાલ કેળાની પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. આવશ્યક પોષક તત્વો અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર લાલ કેળાની ખેતી કરનાર ગુજરાતમાં આ એકમાત્ર ખેડૂત છે. આ કેળાની ખુબ માંગ છે. પ્રથમ વર્ષે જ રાકેશ પટેલને એક એકરમાંથી અંદાજે ત્રણ ટન જેટલા લાલ કેળાના ઉત્પાદનની ધારણા છે. આ કેળાની માગ દિલ્હી, મુંબઈ સહિત દુબઈમાં પણ વધી રહી છે.

મૂળ વડોદરાના વતની રાકેશ પટેલે 10 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી

મૂળ વડોદરાના વતની રાકેશ પટેલે 10 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી હતી. કરજણ તાલુકાના વેમાર ગામમાં તેમની 40 એકર જમીનમાં વિવિધ પ્રકારના ફળો ઉગાડે છે. ખેડૂત પરિવારમાંથી આવતા 56 વર્ષીય રાકેશ પટેલ વ્યવસાયે ઇજનેર અને તેઓએ થોડા સમય માટે આર્મીમાં સેવા આપી હતી. નિવૃત્તિ બાદ તેમના પિતા અને દાદાના પગલે ચાલી ખેતીમાં જોતરાયા છે. ખેડૂત રાકેશ પટેલ જણાવે છે કે, આર્મીમાં ફરજ દરમિયાન મેં ઘણા ખેતરોની મુલાકાત લીધી હતી. ખેતીની કુદરતી તકનીકને નજીકથી નિહાળ્યા પછી જમીન ખરીદી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. તેઓ પોતાની જમીનમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના પપૈયા, કેરી, લોંગન, અવાકાડો, સફરજન સહિત પપનસની પ્રાકૃતિક ખેતી કરે છે.

આ પણ વાંચો: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી