Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આણંદ શહેરની ગણેશ ચોકડી નજીક રેલવે લાઈન ઉપર ટુ-લેયર ફ્લાય ઓવરબ્રિજ નિર્માણ પામનાર હોઈ આજે શુક્રવારે પ્રાંત અધિકારી સહિત વહિવટી તંત્રની ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ ચોકડી વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

આણંદની ગણેશ ચોકડી નજીકના રેલવે ફાટક ઉપર રૂપિયા 157 કરોડના ખર્ચે ટુ-લેયર ઓવરબ્રીજ નિર્માણ પામનાર છે. ગણેશ ચોકડીથી ચારેય તરફના બ્રીજની અંદાજે 700 મીટર લંબાઈ અને 9 મીટરનો બંને તરફે સર્વિસ રોડ બનાવવામાં આવશે. ગત ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં આ રેલવે ઓવરબ્રીજનું સફળ સોઈલ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. 

ત્યારપછી હવે બ્રીજના એક્શન પ્લાનને સરકારે મંજૂરી આપી દેતા વહિવટી તંત્ર દ્વારા ઓવરબ્રીજની કામગીરી ઝડપથી શરૂ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે આજે શુક્રવારે ઓવરબ્રીજની કામગીરીમાં નડતરરૂપ બનતા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રની ટીમ ત્રાટકી હતી. પ્રાંત અધિકારી, શહેર મામલતદાર, પીડબલ્યુડી અને પોલીસ કાફલા સાથેની ટીમોએ ગણેશ ચોકડીથી આણંદ તરફ અને મંગળપુરા તરફના માર્ગો પર રોડની બંને સાઈડે ખડકાયેલા કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. જેને લઈ વેપારી આલમમાં રોષ વ્યાપ્યો હતો અને કોઈપણ પ્રકારની નોટિસ વિના દબાણો હટાવવામાં આવ્યા હોવાની વાતને લઈ વ્યાપારીઓએ હોબાળો મચાવ્યો હતો. જો કે બંદોબસ્તમાં ઉભેલા પોલીસે ટોળું વિખેરી દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. રોડની બંને સાઈડે આશરે કાચા-પાકા 80થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. સાથે સાથે દુકાન બહાર છત બનાવી વેપાર કરતા વેપારીઓને પણ દબાણો દૂર કરી દેવા તાકીદ કરાઈ હતી.

પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં ઓવરબ્રીજના નકશા તથા માર્ગની પહોળાઈના નકશા સાથે રોડની માપણી કરી સર્વિસ રોડ સુધીમાં આવતા ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. 

મંગળપુરા તરફના માર્ગ ઉપર બ્રીજનું માપ ધ્યાને લઈ રોડની સાઈડમાં આવેલી દુકાનોના માલિકોએ શેડ બાંધી 15 ફૂટ જેટલું દબાણ કર્યું હોય તે હટાવવા જતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. જો કે તંત્રની ટીમોએ 30 જેટલા શેડ, 20 જેટલા કેબીન અને ઓટલા સહિત કાચા-પાકા 80 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. 

આગામી દિવસોમાં ઓવરબ્રીજના નિર્માણ કાર્યમાં અવરોધરૂપ અન્ય દબાણો દુર કરવાની કામગીરી ચાલુ રહેશે તેમ તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.