Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં ટ્રાફિક નિયમન કરવાને બદલે કેટલાક ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનચાલકોને ઉભા રાખીને તોડપાણી કરતા હોવાની ઘટનાઓ અનેક સામે આવી હતી. આટલુ જ નહીં ટ્રાફિક બ્રિગેડના જવાનોને વાહનચાલકોને રોકીને ડોક્યુમેન્ટ માંગવાની કે દંડ આપવાની સત્તા ન હોવા છતાં ઠેરઠેર ટીઆરબી જવાનો વાહનચાલકોને વ્હીકલ ડિટેઇન કરવાની ધમકી આપીને તોડપાણી કરતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવ્યુ હતુ. તેથી રાજય પોલીસ વડાએ શનિવારે 6400 ટીઆરબી જવાનોને ક્રમશઃ છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત ખાલી પડેલી જગ્યા ભરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના મહાનગરો ઉપરાંત જિલ્લા મથકોએ ટ્રાફિક સમસ્યાઓની સમસ્યા માથાનો દુખાવો બની છે ત્યારે આ ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને ટ્રાફિકનું નિયમન થાય તે માટે ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજ બજાવે છે. પણ લાંબા સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ટુ વ્હીલર, ફોર વ્હીલર કે ભારે વાહનચાલકોને ઉભા રાખીને પૈસા પડાવતા હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી. આટલુ જ નહીં અનેક ટ્રાફિક બ્રિગેડ જવાનોના પૈસા લેતા કે માંગતા વિડીયો-ઓડીયો અગાઉ વાઈરલ પણ થયા હતા. તેને ધ્યાનમાં રાખીને દિવાળી પૂર્ણ થતાની સાથે રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 6400 જેટલા ટીઆરબી જવાનોને છૂટા કરવા માટે આદેશ આપ્યો છે. રાજ્યમાં 9 હજાર ટીઆરબી જવાનો ફરજ બજાવી રહ્યા છે તે પૈકી 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 1100 જવાનોને તા.30 નવેમ્બર સુધી છૂટા કરવા, પાંચ વર્ષથી વધારે સમયથી ફરજ બજાવતા 3 હજાર જવાનોને 31 ડિસેમ્બર સુધી છૂટા કરવા અને 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 2300 જવાનોને આગામી 31 માર્ચ સુધીમાં છૂટા કરવા માટે તમામ કમિશનર, રેન્જી આઇજી અને એસપીઓને લેખિતમાં હુકમ કર્યો છે. આ ઉપરાંત આ 6400 જવાનોની ખાલી પડેલી જગ્યા ભરી દેવા સૂચના અપાઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક બ્રિગેડને મલાઇદાર પોઇન્ટ પર ફરજ મૂકવા માટે દર મહિને ટ્રાફિક પીઆઈઓ હપ્તો પણ નક્કી કરતાં હતા.

આ પણ વાંચો: મેચ માટે 12 વાગ્યાથી એન્ટ્રી શરુ, દર્શકોની ભારે ભીડ