Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ભૂકંપે તબાહી મચાવી છે. મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બચાવની કામગીરી ચાલી રહી છે. બચાવકર્તાઓ લોકોની શોધખોળમાં લાગેલા છે. ત્યારે આ ભૂકંપની તબાહીમાં લગભગ 2000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. શનિવારે 6.3ની તીવ્રતાના ભૂકંપ બાદ હેરાતની પ્રાંતીય રાજધાનીના ઉત્તર-પશ્ચિમના વિસ્તારોમાં અંદાજે 8 જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા, જેમાં વધુ તબાહી મચી છે. 

લોકો સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરી રહ્યા છે, જે હૃદય કંપાવનાર દ્રશ્યો છે. લોકો જમીન નીચે દટાયેલાં છે. કેટલાક લોકો લાપતા છે. તેમની શોધખોળ પણ ચાલી રહી છે. કરોડોનું નુકશાન પણ થયું છે. લોકોએ ઘર, તેમના કિમતી સામાન અને તેનાથી પણ કિમતી તેમના પરિવારજનોને ગુમાવ્યા છે. કેટલાક વિડિયો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, તેમાં નાના બાળકો તેના માતા-પિતાની રાહ જોઇ રહ્યા છે. લોકો પત્થર અને નાશ પામેલા ઘર નીચે પણ દટાયા છે.

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું છે કે, “13 ગામોમાં 2,053 શહીદ થયા છે અને 1,240 લોકો ઘાયલ થયા છે. જ્યારે, 1,320 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.”

ગત વર્ષે જૂન મહિનામાં પણ પક્તિકાના ગરીબ પ્રાંતમાં આવેલા 5.9ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 900થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર પણ થયા હતા. 

અફઘાનિસ્તાન પર વર્ષ 2021માં તાલિબાનીઓએ યુદ્ધ બાદ કબજો કર્યો હતો. તેમાં પણ ઘણા લોકોના મોત થયા હતા. તાલીબાનીઓની સત્તા બાદ અફઘાનિસ્તાનમાં માનવતાવાદી કટોકટી પણ ચાલી રહી છે. અફઘાનિસ્તાનમાં વારંવાર ભૂકંપના આચકા પણ અનુભવાય છે.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)