Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સરખેજ ગાંધીનગર હાઇવે પર 750 કરોડના ખર્ચે એલિવેટેડ અને હાઇટેક બ્રિજ બનાવવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં બ્રિજની બ્યુટીફિકેશનની સાથે સાથે રોડની બંને સાઈડ ડ્રેનેજ વ્યવસ્થા કરવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં કુલ બજેટમાંથી 50 કરોડ થી વધુ નો ખર્ચ EPC ટેન્ડરમાં બતાવવામાં આવ્યો હતો. પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું તે કોન્ટ્રાક્ટરે માત્ર ગણી ગાઠી જગ્યાએ જ ડ્રેનેજની વ્યવસ્થા ઊભી કરી અને સમગ્ર એસજી હાઇવે પર બીજી કોઈપણ જગ્યાએ તેણે ડ્રેનેજલાઈન નાખી જ નથી. જેના કારણે ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોના ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે.

અમદાવાદના એસજી હાઇવે વિસ્તારની જો વાત કરીએ ઝાયડસથી પકવાન અંડરપાસ જતા સાઈડની બંને સાઈડના સર્વિસ રોડ તેમજ મુખ્ય રોડ પણ આખે આખા પાણીમાં ગરકાવ થઈ જાય છે. જે મામલાની જાણ માર્ગ અને મકાન વિભાગને હોવા છતાં પણ તે કોન્ટ્રાક્ટરની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા પગલાં લેવાયા નથી જાણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ બધા જ મામલે મિલીભગત હોય. જોકે 750 કરોડનો જે આખો કોન્ટ્રાક્ટ અપાયો હતો તેમાંથી 50 કરોડથી વધુ ડ્રેનેજ સિસ્ટમ માટેની જોગવાઈ કરાઈ હતી જે તમામ 50 કરોડથી વધુ રકમ કોન્ટ્રાક્ટરનાં ખિસ્સામાં ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.


આ સમગ્ર જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે કારણ કે ચોમાસામાં દર વખતે કામગીરી પોલ ખુલી જતી હોય છે જે મામલે હાલ અમે લોકો કોંગ્રેસ નેતા તથા AMCના કાઉન્સિલર નિકુલસિંહ તોમરને મળીને તેમનો અભિપ્રાય લીધો હતો. જેમાં તેમણે સત્તા પક્ષ ઉપર આક્ષેપો કર્યા હતા તેમજ આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે આ જે બ્રિજનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેમાં અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓની મિલીભગત છે. અને માત્ર ઝાયડસ પકવાનવાળો ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નહીં પરંતુ આખા અમદાવાદના જેટલા પણ રોડ અને મકાનના કામો AMC દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે. અને સૌથી વધારે કોઈ AMC ની કમિટીમાં ભ્રષ્ટાચાર થતો હોય તો તે રોડ અને મકાન વિભાગ છે. અમે લોકો વારંવાર શાસક પક્ષને રજૂઆત કરતા આવ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું જો કે તેમણે ગઈકાલે જ મહાનગરપાલિકામાં મળેલી મિટિંગમાં સરકારી અધિકારીઓ અને કમિશનર ઉપર નિશાન સાધ્યું હતું અને AMCના કમિશનર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારીઓને બાબુગિરી કરવાની આદત લાગી ગઈ છે તેથી અમે પણ કોર્પોરેટર છીએ નગરસેવક છીએ અને અમે પણ બાબુ ગિરી કરીને તેમને બતાવી શકીએ છીએ. જો હવે આવું વર્તન કરશે તો તેનો જવાબ પણ અમે આપીશું. અને આ સમગ્ર ભ્રષ્ટાચાર હોય કે બાબુગિરી હોય આ તમામ મામલાઓનો કોઇ હલ નહીં આવે તો અમે સત્તાપક્ષ સામે જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરીશું.

હમણાં ચોમાસાની શરૂઆત થતાં જ સમગ્ર દેશમાં વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે અમદાવાદમાં માત્ર સવા ઇંચ જેટલો જ વરસાદ થયો તેમાં અમદાવાદના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેમાં સરખેજ, પાલડી, જોધપુર મકતમપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને અમદાવાદની સાત મુખ્ય જગ્યાએ પાણી ભરાયા હતા અને મ્યુનિ. તંત્રને કોલ આપવામાં આવ્યા હતા. જે બાદ અધિકારીઓએ ત્યાં જઈને પાણી નિકાલ કરવાની કામગીરી કરી હતી. તેમજ પાણી નિકાલ માટે વાસણા બેરેજના 3.5 ફૂટ દરવાજા પણ ખોલાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ છતાં પોલીસ મૌન: વિસ્મય શાહ, સત્યમ શર્મા બાદ તથ્ય પટેલે લીધા માસૂમ લોકોના જીવ