Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ કેસ મળી આવતા આરોગ્યતંત્ર એલર્ટ થઈ ગયું છે. ખેડા જિલ્લામાં એન.આર.આઈ. લોકોની અવરજવર રહે છે. ત્યારે વિદેશથી તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના તરત જ કોરોના ટેસ્ટ કરવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એસ.ધ્રુવે તાકીદની સૂચના આપી છે.

રાજ્યમાં કોરોનાના જેએન-1 ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વિદેશથી આવતા લોકોથી ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. 

તેમજ કોરોનાના દર્દીને સારવાર મળી રહે તે માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ, ખેડા તેમજ ડાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરીને સુવિધા સજજ કરવામાં આવી છે. તે ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન સેન્ટરમાં સેમ્પલની ચકાસણી કરવા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

જિલ્લામાં રોજના 350 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવા સૂચના આપવામાં આવી છે તેમજ જો શંકાસ્પદ કોરોના પોઝિટિવ જણાય આવે તો તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી તપાસ કરી સારવાર પણ કરવામાં આવશે.

તે ઉપરાંત થોડા દિવસ પહેલાં સાવચેતી રૂપે આરોગ્ય તંત્ર દ્વારા મોકડ્રિલ યોજી કોરોનાને લગતી સારવારની સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે મીટીંગ યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ધ્રુવેએ જણાવ્યું છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલની કોવિડ સારવાર માટે સુવિધા સજજ કરાઈ

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના સમયમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની આરોગ્યતંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. હાલમાં હોસ્પિટલમાં 11 વેન્ટિલેટર સાથેના બેડરૂમ, 30 ઓક્સિજન બેડ તેમજ 100 વેન્ટિલેટર ઉપરાંત 21 ટન ઓક્સિજનની  ટેન્કની સુવિધાથી સિવિલ હોસ્પિટલ સજજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન દ્વારા ફરી એકવાર વેરા વળતરની યોજના મુકાશે અમલમાં