Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદના જુદા જુદા ઝોનમાં તથા રોડ પ્રોજેકટના જુદા જુદા રસ્તાઓને નવા બનાવવા, રીગ્રેડ કરી રીસરફેસ કરવાનો રુપિયા 255 કરોડનો વાર્ષિક રેટ કોન્ટ્રાકટ એક જ કોન્ટ્રાકટરને આપવાનો વિવાદાસ્પદ નિર્ણય મ્યુનિ.ની રોડ કમિટિની બેઠકમાં લેવામાં આવ્યો છે.અંદાજથી વધુ 28.5 ટકા ભાવથી કોન્ટ્રાકટરને કામ આપવાની સાથે જી.એસ.ટી.ઉપરાંત સ્ટીલ અને સિમેન્ટ વગેરેના ભાવ તફાવતની રકમ અલગથી ચુકવવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિ.ની રોડ કમિટિ સમક્ષ શહેરના જુદા જુદા ઝોન તથા રોડ પ્રોજેકટના નવા રોડ બનાવવા ,રીગ્રેડ કરી રીસરફેસ કરવા બે વખતના નેગોશીએશન બાદ ઈવેલ્યુએશનના રીપોર્ટ મુજબ કવોલીફાય થયેલા બીડર મિલન રોડ બીલ્ડટેક એલ.એલ.પી.ના ઘટાડેલા ભાવ મુજબ અંદાજિત ભાવથી 28.5 ટકા વધુ ભાવના રુપિયા 255.90 કરોડથી વધુની રકમના વાર્ષિક રેટ કોન્ટ્રાકટ ટેન્ડરને રોડ કમિટિએ મંજુરી આપી હોવાનું કમિટિ ચેરમેને કહયુ હતુ.કામગીરી માટે ટેન્ડરની શરત મુજબ,જી.એસ.ટી.ઉપરાંત પ્રાઈસ વેરીએશન મુજબ લેબર, મટીરીયલ તેમજ બીટુમીનના સીધા ભાવ તફાવતની રકમ જે તે અંદાજની મર્યાદામા કોન્ટ્રાકટરને ચુકવવામાં આવશે.એક જ કોન્ટ્રાકટરને રુપિયા ૨૫૫ કરોડથી વધુની રકમની રોડની કામગીરી સોંપવાના નિર્ણય મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.

મકરબા ખાતે થયેલા અકસ્માત મામલે RKC ઈન્ફ્રા બિલ્ડ સામે કોઈ કાર્યવાહી નહીં

શહેરના મકરબા હેડ કવાટર ચાર રસ્તા પાસે થોડા સમય પહેલા મ્યુનિ.ના રોડ પ્રોજેકટ તરફથી રોડની કામગીરી કરાવવામાં આવી હતી. જેનો કોન્ટ્રાકટ આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ડ નામના કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો હતો.આ કોન્ટ્રાકટરે રોડની કામગીરી સમયે જાહેર ચેતવણીને લગતા સાઈનબોર્ડ મુકયા સિવાય કામગીરી કરતા ગંભીર અકસ્માત થયો હતો.જે અંગે પોલીસ ફરિયાદ પણ કરવામા આવી હતી.આ ઘટના બાદ રોડ કમિટિની મળેલી બેઠકમાં કોન્ટ્રાકટર સામે તંત્રે શું કાર્યવાહી કરી એ અંગે પુછવામા આવ્યુ હતુ કે કેમ? એ અંગે કમિટિ ચેરમેન જયેશ પટેલને પુછતા તેમણે ના કહયુ હતુ.કમિટિના કોઈ સભ્ય દ્વારા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા તંત્રના અધિકારીઓને કોઈ રજુઆત કરવામાં આવી હતી કે કેમ એ બાબતે પણ કમિટિ ચેરમેને ના કોઈ સભ્યે આ બાબતને લઈ પુછયુ નહોતુ એવો જવાબ આપ્યો હતો.

RKC ઈન્ફ્રા બિલ્ડ પાસે રોડનો 650 કરોડનો કોન્ટ્રાકટ

અમદાવાદમાં વર્ષ-2017-18માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના તમામ ઝોનમાં રોડની કામગીરી એક જ કોન્ટ્રાકટર પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવતા રુપિયા 500 કરોડનો રોડનો કોન્ટ્રાકટ એ સમયે આર.કે.સી.ઈન્ફ્રા બિલ્ડને આપવામાં આવ્યો હતો.વર્ષ-2023માં વર્તમાન સત્તાધારી પક્ષ તરફથી શહેરમાં નવા રોડ બનાવવા,રીગ્રેડ કરી રીસરફેસ કરવા માટે કોન્ટ્રાકટર આર.કે.સી.ઈન્ફ્રા બિલ્ડને 600 કરોડથી વધુની રકમનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે.

આ પણ વાંચો: લાકડાના ગોડાઉનમા ભિષણ આગ, ફાયર ફાયટર ઘટના સ્થળે